• મંગળવાર, 21 એપ્રિલ, 2026

`ખાનગી બાબતોને કોર્ટની કાર્યવાહીથી બહાર રાખો'

ન્યાયતંત્ર કોઇ પણ લોકશાહી દેશનું મહત્ત્વનું અંગ છે. તેનું મુખ્ય કામ કાનૂનની વ્યાખ્યા કરીને સમાજમાં ન્યાય સુનિશ્ચિત કરવાનું છે. ન્યાયતંત્ર કે અદાલત તરફથી સમાચાર આવતા હોય પણ ખુદ ન્યાયતંત્ર કે ન્યાયાધીશ સમાચારનો વિષય બને ત્યારે સમજવું કે એ ઘટના અતિ વિશિષ્ટ છે. એ ઘટના હકારાત્મક કે ગૌરવપૂર્ણ હોય એને આવકાર્ય ગણીએ, પણ અમુક અપ્રિય બાબતો એવી હોય છે જે લોકતંત્ર માટે અશોભનીય અને વિવાદનું કારણ બને છે. ગયા વર્ષે જેમના ઘરમાં લાગેલી આગમાં ચલણી નોટોના થોકડા બળેલી હાલતમાં મળી આવ્યા હતા એ અલ્હાબાદ હાઇકોર્ટના જજ યશવંત વર્માએ ગયા અઠવાડિયે રાજીનામું આપતાં વિવાદાસ્પદ પ્રકરણનો અંત આવ્યો. તેમની સામે સંસદમાં ચાલતી મહાઅભિયોગની પ્રક્રિયા નિરર્થક થઇ ગઇ. એ પ્રકરણ તાજું છે તે દરમ્યાન આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ અને દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સ્વર્ણકાંતા શર્મા વચ્ચેનો સંવાદ ન્યાયિક અને રાજકીય લોબીમાં ચર્ચાનો વિષય બન્યો છે. કથિત શરાબ ગોટાળામાં ડીઆરઆઇએ 21મી માર્ચ, 2024ના રોજ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી. તેમને વચગાળાના જામીન મળ્યા ને છૂટકારો થયો. બે વર્ષ બાદ ફેબ્રુઆરી 2026માં દિલ્હીની સાઉથ એવેન્યૂ કોર્ટે પુરાવાના અભાવે કેજરીવાલને નિર્દોષ છોડી મૂક્યા, પરંતુ ડીઆરઆઇ અને સીબીઆઇએ આ નિર્ણયને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો છે. તેમનું માનવું છે કે, અદાલતે પુરાવાઓનું યોગ્ય મૂલ્યાંકન નથી કર્યું. વડી અદાલતમાં આ મામલો જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની બેન્ચ સમક્ષ જતાં કેજરીવાલે તે સામે અસંતોષ દર્શાવ્યો છે. પોતાનો કેસ જાતે લડી રહેલા કેજરીવાલે એવી માગણી કરી કે, જસ્ટિસ શર્મા આ કેસમાંથી હટી જાય. એની પાછળ કેજરીવાલે કારણ આપ્યું કે, ન્યાયમૂર્તિ સ્વર્ણકાંતાએ ભાજપ તથા આર.એસ.એસ. સાથે સંકળાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આમ પોતાનાં મનમાં ન્યાય મેળવવા અંગે સંદેહ રહેશે એવી દલીલ સાથે કેજરીવાલે ન્યાયમૂર્તિને હટાવવા માગણી કરી હતી. કેજરીવાલની એ માગણી અદાલતે ગ્રાહ્ય નથી રાખી. જસ્ટિસ સ્વર્ણકાંતાએ કહ્યું કે, તેમની કારકિર્દીમાં પ્રથમવાર તેમની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. આ મુદ્દો કોઇ એક જજની વિશ્વસનીયતાનો જ નથી, બલ્કે સમગ્ર ન્યાય વ્યવસ્થાની શાખનો છે. ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને ગરિમા સામે કોઇ આંગળી ઉઠાવી શકે તેમ નથી. ન્યાયમૂર્તિએ કેજરીવાલ દ્વારા તેમના પરિવાર સામે આંગળી ઉઠાવાઇ એનો પણ સજ્જડ જવાબ આપતાં કહ્યું કે, એક નેતાની પત્ની રાજકારણી બની શકે, નેતાના સંતાનો નેતા બની શકે તો જજના સંતાન ન્યાયની વ્યવસ્થામાં ન આવી શકે એમ કેમ કહી શકાય ? જજ સ્વર્ણકાંતાનો મત સ્પષ્ટ છે... ન્યાયતંત્રની સ્વતંત્રતા અને અંગત બાબતોને કોર્ટની કાર્યવાહીમાં ઢસડી લાવવાની જરૂર ન હોય. વિધાનસભા ચૂંટણીઓના માહોલમાં ન્યાયાધીશ સાથેના સંઘર્ષનો પ્રચારાર્થે કથિત ઉપયોગ કરવાના વ્યૂહમાં કેજરીવાલના હાથ હેઠા પડયા છે.

 

Panchang

dd