• બુધવાર, 22 એપ્રિલ, 2026

રુદ્રમાતા પાસે સાઇડમાં ઊભેલા કિશોરને સ્કોર્પિયોએ ઉડાવી મોતને ઘાટ ઉતાર્યો

ભુજ, તા. 21 : શહેરની ભાગોડે રુદ્રમાતા પાસે ઊભેલા 15 વર્ષીય કિશોર પ્રકાશ ગગુભાઇ લખિયા મારવાડાને સ્કોર્પિયો ગાડીએ ઊડાવી ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો. બીજી તરફ મોટા કાંડાગરામા મૂળ પશ્ચિમ બંગાળના 40 વર્ષીય શ્રમિક સંજિત બાદલ ઘોષે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. અકસ્માતના કરુણ બનાવ અંગે માધાપર પોલીસ મથકે  પુરાભાઇ સુમારભાઇ મારવાડા (રહે. મેઘમારૂનગર, રુદ્રમાતા)એ નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારે સાત વાગ્યાના અરસામાં ફરિયાદી પુરાભાઇ અને તેનો ભત્રીજો પ્રકાશ દૂધ લેવા મુરલીધર હોટેલ ગયા હતા. હોટેલ પાસે રોડની સાઇડમાં બાઇક મૂકી તે દૂધ લેવા ગયા હતા. બાઇક પાસે પ્રકાશ ઊભો હતો. આ દરમ્યાન ખાવડા તરફથી પૂરપાટ આવતી કાળા રંગની સ્કોર્પિયો ગાડી નં. જી.જે.-24-ઝેડ-4032વાળીના ચાલકે ઊભેલા પ્રકાશને અડફેટે લેતાં તેને માથાં, મોઢાં તથા  પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ગાડીચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ પ્રકાશને 108 મારફત ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ગંભીર ઇજાઓનાં પગલે પ્રકાશનું મૃત્યુ નીપજ્યું હતું. માધાપર પોલીસે ગાડીચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ મૂળ પશ્ચિમ બંગાળ બાજુના હાલે અદાણી લેબર કોલોની મોટા કાંડાગરામાં રહેતા સંજિત ઘોષે ગઇકાલે સાંજે પોતાના રૂમમાં કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધાની વિગતો મુંદરા પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ પી.એસ.આઇ. એન. પી. ગોસ્વામીએ હાથ ધરી છે. 

Panchang

dd