• બુધવાર, 22 એપ્રિલ, 2026

રવિવારે કચ્છના પ્રથમ પ્લેનેટોરિયમનું ભૂમિપૂજન

ભુજ, તા. 21 : આગામી રવિવાર તા. 26/4ના કચ્છને બ્રહ્માંડની અનોખી ભેટ ઉપલબ્ધ થાય એ માટેના ભગીરથ આયામનો ભૂમિપૂજન અને શિલાન્યાસ દ્વારા આરંભ થવા જઈ રહ્યો છે. કચ્છના રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવીના હસ્તે ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી, મુંબઈ સંચાલિત તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકારની માન્યતા મેળવનાર કચ્છમિત્ર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ભુજ દ્વારા નિર્માણ પામનાર મહારાવ પ્રાગમલજી ત્રીજા પ્લેનેટોરિયમ, કાંતિસેન - ચંદાબહેન  શ્રોફ ઓડિટોરિયમ, સૂર્ય અને તારા વેધશાળા ત્રિવેણી સંગમ સમાન  ભવનોના શિલાન્યાસ અને ભૂમિપૂજન તા. 26/4ના સવારે 10 વાગ્યે થશે. ભુજ શહેરથી ખાવડા જતા માર્ગ પર પ્લોટ નં. 26-34 પર આવેલા અદિતી નગર, પાલારા ખાતે નિર્માણ થનારા સંકુલના સ્વપ્નદૃષ્ટા અને જાણીતા વૈજ્ઞાનિક ડો. જે. જે. રાવલે આ અંગે વિગતો આપતાં જણાવ્યું કે, વર્ષોથી પોતે સેવેલાં આ સ્વપ્નને સાકાર કરવાનું સ્થાન કચ્છ જ છે કેમ કે, કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ, વિકાસનું પ્રવાસન અને નિર્મળ-સ્વચ્છ આકાશને કારણે આ સંકુલનાં નિર્માણ માટે કચ્છ આદર્શ સ્થાન છે. ચન્દ્રયાન, ગગનયાન જેવી સફળતાઓ પછી ભારત હવે અવકાશી ક્ષેત્રમાં અગ્રણી રાષ્ટ્ર બની રહ્યું છે ત્યારે કચ્છ દેશના `કોસ્મિક નકશા'પર પોતાનું સ્થાન મજબૂત કરે એ માટે આ જ ચોક્કસ સમય છે  એવું જણાવતાં ડો. રાવલે કહ્યું કે, સંકુલનાં નિર્માણ પછી તે કચ્છની અને દેશ-વિદેશની નવી પેઢીને પ્રેરણા આપનારું બની રહેશે એવી મને શ્રદ્ધા છે, તો શતાબ્દીઓથી તારાઓએ કચ્છના સમુદ્રી યાત્રિકો અને રણયાત્રીને માર્ગ બતાવ્યો છે. હવે એ જ તારાઓ દરેક બાળકની પહોંચમાં લાવી શકીએ એવો શુભ અવસર બહુ નજીકના સમયમાં સાકાર થવાનો છે ત્યારે કચ્છની જનતા આ શિલાન્યાસ-ભૂમિપૂજનના અવસરની સાક્ષી બને એ માટે ઉપસ્થિત રહેવા તેમણે જાહેર અનુરોધ કર્યો છે. 

Panchang

dd