ભુજ, તા. 21 : ગઈકાલે શહેરમાં ચૂંટણી પ્રચાર
મુદ્દે ધાકધમકી કરી બળજબરીથી નાણાં કઢાવી લીધાનો બનાવ બનતાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે
એ-ડિવિઝન પોલીસ મથકે, ઝુબેર ઈકબાલ
મણિયારે નોંધાવેલી ફરિયાદ મુજબ તે ભારતનગર પાસે નાસ્તાની હાથલારી રાખી ધંધો કરે છે.
ગઈકાલે સાંજે હાથલારી ઉપર આરોપી અલ્તાફ અબ્દુલ મોખા (રહે. ચાંદચોક, ભુજ) આવીને ફરિયાદી ઝુબેરને કહ્યું કે, તારો ભાઈ સાજીદ
એઆઈએમઆઈએમ પક્ષમાંથી વોર્ડ નં. 1માં ઉમેદવારોનો પ્રચાર કરે છે એ અમારા કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ
પ્રચાર કરે છે. તેને પ્રચાર કરવાની ના પાડી દેજે તેવી ધમકી સાથે ગાળો આપી કહ્યું કે, અહીં ગાડી રાખવી હોય તો દર મહિને પૈસા આપવા
પડશે, નહીં આપ તો ગાડી ઊંઘી કરી નાખીશ. તને તથા તારા ભાઈ અને
પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. નાસ્તાના ધંધાના રૂપિયા બળજબરીથી કઢાવી,
બાકીના રૂા. 1100 બે દિવસમાં આપી દેવા ધાકધમકી કરી હતી. પોલીસે વિવિધ કલમો તળે
ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.