• બુધવાર, 22 એપ્રિલ, 2026

કાઠડાની જમીન છેતરપિંડીના કેસમાં આરોપીને ત્રણ-ત્રણ વર્ષની કેદ

ભુજ, તા. 21 : માંડવીના કાઠડાની કિંમતી જમીન ભળતાં નામનો ગેરલાભ ઊઠાવી વારસાઇ કરી વેચી નાખતાં ચાર આરોપીને ત્રણ-ત્રણ વર્ષની કેદ તથા 23-23 હજારનો દંડ ફટકારતો ચુકાદો કોર્ટે આપ્યો છે. આ કેસની વિગતો મુજબ વર્ષ 2008માં કાઠડા ગામે આવેલી સીમ સર્વે નં. 357 પૈકી 1 એકર આઠવાળી જમીન ફરિયાદી પુનશીના પિતા પચાણ વેલાનાં નામે આવેલી હતી અને તેમનું તા. 26-8-1993માં મૃત્યુ થયું હતું. પરંતુ ફરિયાદીએ તેમની જમીનની વારસાઇ કરાવી ન હતી. આરોપીઓના પિતાનું નામ પચાણ મગા  મહેશ્વરી હોવા છતાં ફરિયાદીના પિતાના ખોટા વારસદાર બની ઉપરોક્ત જમીન તેમનાં નામે કરી તે જમીન 94 હજારના રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી પ્રવીણ હંસરાજ શાહને ખોટી વારસાઇ બનાવી ફરિયાદીની કિંમતી જમીન વેચાણ કરી દેવામાં આવી હતી. પચાણ મગા મહેશ્વરીના વારસદારમાં આરોપી બાબુ ઉર્ફે કલ્યાણજી પચાણ ડુંગરખિયા (હાલ રહે. ડુમરા, તા. અબડાસા મૂળ રહે. કાઠડા), માકબાઇ થાવર ભચુ મહેશ્વરી (રહે. મોટા સલાયા), બાયાબાઇ નાયા વલુ મહેશ્વરી (રહે. દેવપર ગઢ), મૂલબાઇ વેલજી વીરા મહેશ્વરી (રહે. મોટા સલાયા) વિરુદ્ધ ફરિયાદી પુનશીએ માંડવી પોલીસ મથકે ગુના દાખલ કરાવતાં તપાસના અંતે પોલીસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતાં આ કેસ એડિ. ચીફ જ્યુ. મેજિ. એચ. જે. તન્નાની કોર્ટમાં ચાલી જતાં કોર્ટમાં સરકાર તરફે સરકારી વકીલ ડી.સી. ઠાકોર હાજર રહી દલીલ કરી હતી. આ કેસમાં કોર્ટે આરોપીઓને વિવિધ કલમો તળે ઠેરવી  તમામને ત્રણ-ત્રણ વર્ષની કેદ તથા કુલ મળીને 23-23 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ જુદી-જુદી કેદની સજાનો હુકમ કર્યો છે. 

Panchang

dd