ભુજ, તા. 21 : આગામી 26 એપ્રિલે કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય
ચૂંટણી યોજાનારી છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના જંગમાં મહત્તમ મતદાન થાય એ માટે તંત્ર
દ્વારા વિવિધ આયોજન હાથ ધરાઈ રહ્યા છે. જો કે, જે દિવસે મતદાન છે એ જ દિવસે લગ્નોત્સવની ભરમાર રહેવાની સાથે વિવિધ સમાજના
મોટા ઉત્સવો પણ યોજાવાના છે. એ જ રીતે હવામાન નિષ્ણાતોના વર્તારા મુજબ એ દિવસે ગરમીનું
જોર પણ ઘણું રહેવાનું છે, ત્યારે આ તમામ પરિબળો મતદાનની ટકાવારી
વધારવા માટેના તંત્રના પ્રયાસમાં બાધા સર્જી શકે છે. - પહેલાં રાષ્ટ્રીય પર્વ પછી
સમાજ ઉત્સવ : દેશલપર વાંઢાય સંસ્કારધામ ખાતે અખિલ ભારતીય
લક્ષ્મીનારાયણ સનાતન પાટીદાર સમાજ દ્વારા મોટો ઉત્સવ યોજાવાનો છે, ત્યારે આ ઉત્સવ મતદાન પર કોઈ પ્રતિકુળ પ્રભાવ
ન પાડે એ માટે સમાજે વિશેષ પહેલ કરી છે. મહામંત્રી ઈશ્વરભાઈ ભાવાણીએ કહ્યું કે,
2પ તારીખે ઉત્સવનો આરંભ થશે અને મતદાન યોજાવાનો
છે એ 26 એપ્રિલના દિવસે અમે કાર્યક્રમના
સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. સવારે આઠ વાગ્યે શરૂ થનારો કાર્યક્રમ 26મીએ સાડા નવ વાગ્યે શરૂ થશે, તો બપોરના 12થી 3.30 દરમિયાન કોઈ પણ કાયક્રમ ન ગોઠવી ઉત્સવમાં આવેલ લોકો મતદાનક કરી
શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. - લગ્નોત્સવની ભરમાર : આ વખતે વૈશાખમાં લગ્નના મુહૂર્ત ઓછા છે. ખાસ કરીને શનિ-રવિમાં
લગ્નના આયોજન કરવાનું ચલણ વધ્યું હોવાથી 24થી 26 એપ્રિલ દરમિયાન
લગ્નોત્સવની ભરમાર રહેવાની છે. ભુજની જ વાત કરીએ,
તો મતદાનના દિવસ 26 એપ્રિલે મોટાભાગની વાડીઓ,
હોટલો લગ્ન માટે બુક થઈ ગયા છે. પટેલ ચોવીસીમાં પણ મોટાપાયે લગ્નો થવાના
છે. લગ્નોત્સવાના ધમધમાટની સ્પષ્ટ અસર મતદાનની ટકાવારી પર પડશે તેવું ચોક્કસથી લાગી
રહ્યું છે. તંત્ર દ્વારા મતદાનની ટકાવારી વધે એ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે,
પણ આકરા તાપ તેમજ સામાજિક-ધાર્મિક આયોજનના કારણે મતદારોને મથક સુધી લઈ
આવવા આ વખતે થોડું અઘરું બની રહેવાનું છે.