ચાલુ વર્ષની શરૂઆતમાં જ સમાચાર હતા કે, આ વર્ષે ભારત જાપાનને પાછળ મૂકી
વિશ્વનું ચોથું મોટું અર્થતંત્ર બની જશે અને સરકારનો અંદાજ હતો કે, ત્રણેક વર્ષમાં જર્મનીને પાછળ મૂકી આપણે ત્રીજા ક્રમ પર પહોંચી જઈશું. તાજેતરમાં
જ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (આઇએમએફ) બહાર પાડેલા વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂકમાં (ડબ્લ્યુઈઓ)
ભારત ચોથાં સ્થાનેથી સરકી છઠ્ઠા ક્રમનું અર્થતંત્ર થઈ ગયું છે. આ બાબત ચિંતાજનક તો
ખરી પણ પહેલી નજરે દેખાય છે એટલી ગંભીર કદાચ નથી, કેમ કે,
વર્તમાન યુદ્ધની પરિસ્થિતિ, ભૂરાજકીય અસ્થિરતા
અને ક્રૂડતેલના ભાવમાં વારંવાર આવી રહેલા તાનપલટા જેવાં પરિબળોની અસર અન્ય અર્થતંત્રો
પર પણ પડશે જ, પ્રમાણ ઓછું-વત્તું હશે. આઇએમએફ પોતાના રેન્કિંગની
ગણતરી યુએસ ડોલર મુજબ કરે છે અને આ માટે બે ડેટા પોઈન્ટ્સનો ઉપયોગ કરે છે - એક સંબંધિત
દેશની જીડીપી સ્થાનિક ચલણમાં અને ડોલર સાથે તેનો એક્સ્ચેન્જ રેટ. છેલ્લા 12 મહિનામાં ભારતને આ બન્ને મોરચે માર પડયો છે અને આ કારણસર
જ ચોથાથી છઠ્ઠા ક્રમે સરી પડવાનું થયું છે. સપ્ટેમ્બર, 2022માં ભારત યુનાઈટેડ કિંગ્ડમને પાછળ છોડી વિશ્વનું પાંચમું
મોટું અર્થતંત્ર બન્યું એ ગૌરવભરી ક્ષણ હતી, જે દેશની ગુલામી હેઠળ ભારત અનેક સદીઓ
હતું, તેનાથી આગળ નીકળી જવું એ નોંધપાત્ર બાબત હતી. એ પછી સાતત્યપૂર્વક
ભારત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું હતું અને આઇએમએફના અંદાજ મુજબ, 2026માં ભારત જર્મનીને પાછળ મૂકી ચોથા ક્રમે પહોંચી જશે
અને 2029 સુધીમાં ત્રીજાં
સ્થાન પરના જાપાનથી આગળ નીકળી જશે એવી શક્યતાઓ હતી. જીડીપી એટલે કે, દેશની અંદર ઉત્પાદિત થતાં માલ અને સેવાઓનું કુલ મૂલ્ય. 2026માં આ આંકડો 4.15 ટ્રિલિયન
ડોલર રહેવાની શક્યતા છે, જે વર્ષ 2025માં 3.92 ટ્રિલિયન
ડોલર હતું. જાપાનનું જીડીપી વર્ષ 2025માં
4.48 ટ્રિલિયન ડોલર હતું પણ 2026માં ઘટીને 4.38 ટ્રિલિયન
ડોલર જેટલું હોવાની શક્યતા ડબ્લ્યુઈઓમાં વર્તાવાઈ છે. ભારત છઠ્ઠાં સ્થાને સરી પડયું
એ માટે ફેબ્રુઆરીના અંતમાં જીડીપીના અંદાજને અપડેટ કરવાનાં પરિબળની પહેલી ભૂમિકા છે, ભારતે 2025-26 માટે
જીડીપી અંદાજ રૂા. 357 લાખ કરોડથી
ઘટાડીને રૂા. 345 લાખ કરોડ કર્યું.
બીજું પરિબળ, છેલ્લા એક વર્ષમાં રૂપિયો-ડોલર એક્સ્ચેન્જ દરમાં થયેલો ફેરફાર
છે. આ એવા સમયે થયું છે જ્યારે ડોલરે અન્ય કરન્સીઝ જેમ કે બ્રિટિશ પાઉન્ડ અને જાપાનીઝ
યેન સામે મૂલ્ય ગુમાવ્યું છે. આથી આઇએમએફે જ્યારે જીડીપીની ગણતરી ડોલરના સંદર્ભમાં
કરી ત્યારે યુકે અથવા જાપાનના જીડીપી અને ભારતના જીડીપી વચ્ચેનું અંતર ઓર વધ્યું. આઇએમએફના
અંદાજ મુજબ જ, 2026માં
ભારતને ઝટકો લાગ્યો હોવા છતાં 2027માં
ભારત ફરી ચોથા ક્રમનું અર્થતંત્ર બની જશે. જો કે, જર્મનીને પાછળ
મૂકી ફરી ત્રીજાં સ્થાન પર પહોંચવા માટે વધુ સમય લાગશે અને 2031માં ભારત અમેરિકા અને ચીન પછીના ક્રમે હશે.