• બુધવાર, 22 એપ્રિલ, 2026

રહેણાંક વિસ્તારમાં ઝેરી સાપ-વીંછી નીકળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ

કોટડા (ચકાર), તા.21 : જિલ્લામાં સતત વધી રહેલી ગરમીના કારણે માનવજીવન સાથે પશુ-પક્ષીઓ અને વન્યજીવો પણ પરેશાન બની રહ્યા છે. તાપમાનમાં વધારાને કારણે ઠંડકની શોધમાં ઝેરી સાપ-વીંછી સહિતના જીવજંતુઓ માનવ વસાહતો તરફ વળી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામ્ય વિસ્તારો, વાડી-ખેતરો તેમજ રહેણાંક વિસ્તારોમાં સાપ અને વીંછી દેખાવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ગરમીથી અકળાયેલા આ ઝેરી જીવજંતુઓ ઘરોના ઠંડકવાળા ખૂણાઓ, સ્ટોરરૂમ, પાણીની ટાંકી નજીક આશરો લેતા જોવા મળી રહ્યા છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હોવાનું જણાવાયું હતું. સ્થાનિક લોકોએ વન વિભાગ પાસે માર્ગદર્શન જાહેર કરી ઝેરી જીવજંતુઓ સામે કેવી રીતે સાવચેતી રાખવી અને જો કોઈ દુર્ઘટના બને તો તાત્કાલિક કયા પગલાં લેવા તેની જાણકારી  અપાય તેવી માંગ કરાઈ હતી. તંત્ર દ્વારા લોકોને ઘરની આસપાસ સફાઈ રાખવા, કચરો કે લાકડાંના ઢગલા દૂર રાખવા તેમજ રાત્રિના સમયે ટોર્ચનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ છે. ખેતરોમાં કામ કરતા મજૂરોને પણ બૂટ-હાથમોજાં પહેરીને કામ કરવા અને અંધારાવાળા સ્થળોએ તકેદારી રાખવા સૂચન કરાયા છે. ઝેરી જીવજંતુઓના વધતા ઉપદ્રવને ધ્યાનમાં રાખીને લોકોમાં સાવચેતી અને જાગૃતિ જ એકમાત્ર બચાવનો રસ્તો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.  

Panchang

dd