ગાંધીધામ, તા. 21 : ભચાઉ તાલુકાના વોંધ ગામ નજીક
ઓવરબ્રિજ નીચે રિક્ષામાં જઇ રહેલા હરિદાસ ત્રિભુવનદાસ સાધુ (ઉ.વ. 80) ઉપર પહેલાં તલવાર ઉગામી બાદમાં
પિસ્તોલથી ફાયરિંગ કરી આ જૈફ વયના પૂજારીની હત્યા નીપજાવી તેમનો સગો ભત્રીજો નાસી ગયો
હતો. ભત્રીજાના હાથે મોટાબાપાની હત્યાને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. આરોપીને પોલીસે
પકડી પાડયો હતો. વોંધના મફતનગર વિસ્તારમાં રહેતા અને પૂજાપાઠ કરતા હરિદાસ સાધુને આજે
સવારે ગોળી વીંધીને પતાવી નાખવામાં આવ્યો હતો. જૈફ વયના આ પૂજારી આજે સવારે પોતાના
દીકરા હસમુખ સાથે રિક્ષામાં બેસી દરરોજની જેમ ચોકડી ઉપર આવી રહ્યા હતા. દરમ્યાન આ પૂજારીના
નાના ભાઇ ઘનશ્યામનો નાનો દીકરો મુકેશ ત્યાં બાઇકથી આવ્યો હતો અને તેણે તલવાર કાઢી પોતાના
મોટાબાપા એવા હરિદાસને મારવા ઊંચી કરતાં પૂજારીએ પોતાનો બચાવ કરવા લાકડી તેની સામે
ધરી હતી. આવામાં આરોપી મુકેશે ભેઠમાંથી પિસ્તોલ કાઢી મોટાબાપા સામે તાકી એક રાઉન્ડ
ફાયર કરતાં ગોળી પૂજારીની છાતીમાં વાગી હતી અને તે ત્યાં જ ઢળી પડયા હતા. દરમ્યાન ત્યાં
હાજર તેમના દીકરા હસમુખને બીક લાગતાં તે પોતાના
ઘર તરફ દોડતાં આરોપી તેની પાછળ દોડયો હતો અને ઘર સુધી આવી ચડયો હતો, પરંતુ ત્યાં લોકો એકઠા થતાં આ આરોપી નાસી છૂટયો
હતો. પાંકડસર-કબરાઉ રહેનાર મૃતક પૂજારીના દીકરી અને બનાવના ફરિયાદી કલાવંતીબેન દિનેશ
વિનંતીદાસ સાધુ પોતાની માતા ભાવનાબેન સાથે આજે સવારે ફોન પર વાત કરી રહ્યા હતા,
ત્યારે અચાનક રાડારાડ અને મુકેશ અમને મારવા આવ્યો છે, તેના હાથમાં બંદૂક છે તેવી વાત કરી ફોન મૂકી દીધો હતો. ફરિયાદીએ ફરી ફોન કરતાં
ભત્રીજીએ ફોન ઉપાડી દાદાને મુકેશ કાકાએ ગોળી મારી છે. ફરિયાદી મહિલા પોતાના પતિ સાથે
વોંધ આવતાં પૂલ નીચે તેમના પિતાની લાશ પડી હતી. ફરિયાદીની ભાભી સાથે આરોપીના આડાસંબંધ
હતા અને અગાઉ બંને ચાલ્યા ગયા બાદ પરત લઇ અવાયા હતા. આ આરોપી વારંવાર ત્યાં આવી ઝઘડા
કરી પૂજારી અને તેમના દીકરાને મારી નાખવાની ધમકીઓ આપતો હતો. દરમ્યાન આજે તેણે પોતાના
મોટાબાપાની હત્યા નીપજાવી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડયો હોવાનું
બહાર આવ્યું હતું.