• રવિવાર, 22 માર્ચ, 2026

આજથી માધાપરમાં પૂ. મોરારિબાપુની રામકથા

ભુજ, તા. 20 : તાલુકાના માધાપર ગામે શનિવારથી પ્રસિદ્ધ રામાયણી કથાકાર પૂ. મોરારિબાપુની વ્યાસપીઠે રામકથાનું આયોજન કરાયું છે, જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 44 વર્ષ બાદ પૂ. મોરારિબાપુની કથા માધાપરમાં યોજાઇ રહી છે, જેને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ થશે તે ભુવન ખેતર ગોરસિયા ફાર્મ ગ્રીન સોસાયટી ખાતે 50 હજાર શ્રોતા કથા શ્રવણ કરી શકે તેવો મંડપ બનાવાયો છે, તો કથા શ્રવણ કરવા આવતા ભાવિકો માટે વિશાળ ભોજનાલયનું નિર્માણ કરાયું છે. કથાના મુખ્ય મનોરથી દાતા એવા ધિરેશ મનજીભાઇ દબાસિયા અને તેમના પરિવારજનોના માર્ગદર્શનમાં કથા સમિતિના સભ્યો આયોજનને નિર્વિઘ્ને પાર પાડવા જહેમત ઉઠાવી રહ્યા છે. કથાની વ્યાસપીઠ સહિતની વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવાયો છે. અગાઉ 1982ની સાલમાં માધાપરમાં પૂ. બાપુની કથા યોજાઇ હતી, તે પછી આ કથાનો અવસર પ્રાપ્ત થયો છે. પૂ. બાપુની અત્યાર સુધી કચ્છમાં 35 કથા યોજાઇ ચૂકી છે. માધાપરની આ કથા કચ્છની 36મી કથા છે. કથાના આયોજનને પાર પાડવા માટે પ્રવીણભાઇ તન્ના, યોગેશ વેલજી ગજ્જર, લક્ષ્મણસિંહજી વાઘેલા, સુરેશ ઠક્કર, ભાવેશ ઠક્કર, નાનુભાઇ, વી.કે. પટેલ-માધાપર, હેમંત વાયડા, પ્રકાશ મામા, ધનજી કેરાસિયા, વેલજી આહીર, વિનેશ સાધુ, મનોજભાઇ સોલંકી, સુરેશ પરમાર, ઘનશ્યામ જોષી, રિશિ જોષી, હિતેશ સોની, મોહનભાઇ ધારશી, જીતુભાઇ માધાપરિયા સહિત અન્યો આખરી ઓપ આપવા જહેમત ઉઠાવી રહ્યા છે. 

Panchang

dd