• રવિવાર, 22 માર્ચ, 2026

આદિપુર : 2-બીનાં 1500 ઘરમાં દરરોજ નલ સે જલ

ગાંધીધામ, તા. 19 : મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા એક અઠવાડિયા સુધી ટેસ્ટિંગ કર્યા પછી આદિપુરના ટુ-બી વિસ્તારમાં દરરોજ એક કલાક પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. 90 ટકા ઘરનાં નળમાં જળ પહોંચાડવામાં તંત્ર સફળ રહ્યું છે અને જે લોકોને પાણી નથી મળતું તે ફરિયાદ કરે એટલે તુરંત સ્થળ ઉપર અધિકારીઓ અને કર્મચારીઓ પહોંચીને તેનું નિરાકરણ લાવી રહ્યા છે. લગભગ એક અઠવાડિયામાં ટુ-બી વિસ્તારનાં તમામ ઘરમાં નિયમિત પીવાનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. - અઠવાડિયાનાં પરીક્ષણ બાદ વ્યસ્થા અમલી : 2-બી વિસ્તારમાં 400 ઘર છે અને જનતામાં 200 એમ કુલ 600 ઘર છે. આ ઉપરાંત બિલ્ડિંગો સહિતના લગભગ 1500ની આસપાસનાં પાણીનાં જોડાણો છે. તમામ ઘર - સોસાયટીઓ અને ઇમારતમાં રહેતા લોકોને દરરોજ પીવાનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એક અઠવાડિયા સુધી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, એ દરમિયાન લાઈનોમાં રહેલા લીકેજો દૂર કરાયાં હતાં અને જે જે જગ્યાએ ક્ષતિ હતી તેને દૂર કરાઈ છે, તે પછી લગભગ 90 ટકા ઘરમાં પીવાનું પાણી પહોંચાડવામાં તંત્ર સફળ રહ્યું છે અને જે 10 ઘરમાં પાણી પહોંચાડવામાં જે મુશ્કેલીઓ આવી રહી છે તેને દૂર કરવા માટે અધિકારીઓ અને કર્મચારીઓ સપ્લાય સમયે નિરીક્ષણ કરી રહ્યા છે અને જ્યાંથી ફરિયાદો આવે તેનો તુરંત નિકાલ કરવામાં આવી રહ્યો છે. - પાણી વિક્ષેપ અંગે ફરિયાદ માટે વોટ્સએપ ગ્રુપ : આ વિસ્તારનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં પાણી ન મળતું હોય તેને ફરિયાદ આવે એટલે તુરંત કર્મચારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને સમસ્યાનું સમાધાન કરવામાં આવે છે. પાણી ન મળતું હોવાની ઘણી ફરિયાદોમાં સ્થળ તપાસ દરમિયાન પાણીનાં જોડાણમાં સમસ્યાઓ હોવાનું બહાર આવે છે, તો ઘણી  અન્ય મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. - વર્ષો પછી દૈનિક પાણી વિતરણ : તમામ સમસ્યાઓનું સમાધાન અઠવાડિયા દરમિયાન લાવવામાં આવશે તેવું પાણી વિભાગના જવાબદારો કરી રહ્યા છે. પરંતુ વર્ષો પછી લોકોને દરરોજ પીવાનું પાણી મળી રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે, તેમાં તંત્રને સફળતા પણ મળી રહે છે. અત્યાર સુધી દર ચોથા દિવસે પાણી આપવામાં આવે છે, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ તબક્કાવાર ધીરે ધીરે એક એક વિસ્તારમાં પાણીનાં જોડાણો તથા લાઈનોની ચકાસણી કરીને લોકોને દરરોજ એક કલાક પાણી મળે તેવી વ્યવસ્થાઓ ઊભી કરાવાઈ રહી છે. - મોટર ચાલુ કરાશે તો દંડ ફટકારવામાં આવશે : ટુ-બી વિસ્તારમાં મોટર વગર લોકોનાં ઘરનાં નળમાં દરરોજ એક કલાક જળ મળે તે માટેની સુદૃઢ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. હાલના સમયે પાણી સપ્લાય વખતે મોટર ચાલુ ન કરવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે, તેમ છતાં ઘણા ઘરમાં મોટર ચાલુ કરવામાં આવી રહી છે. ધીરે ધીરે તંત્ર લોકોને સમજાવવામાં સફળ થયું છે પણ હજુ ઘણા ઘરમાં પાણી પૂરતું ન આવતું હોવાથી મોટર ચાલુ હોવાનું બહાર આવે છે, તંત્ર તે સમસ્યા હલ કરવા માટે સક્રિય છે. અઠવાડિયા દરમિયાન લગભગ આ સમસ્યા હલ કરાશે અને ત્યાર પછી જો બિનજરૂરી અને સીધી મોટર ચાલુ કરવામાં આવશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, તેવું તંત્ર કહી રહ્યું છે. - ફોર-એ માં લાઈનોનું પરીક્ષણ શરૂ કરાયું : મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ટુ-બી વિસ્તારમાં નિયમિત દરરોજ એક કલાક પાણી આપવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવ્યા બાદ હવે શહેરના ફોર-એ વિસ્તારમાં લાઈનોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દૂર કરવામાં આવી રહ્યા છે, ઉપરાંત જે ઘરનાં કનેક્શન બાકી છે તેમને જોડાણો અપાઈ રહ્યાં છે. લગભગ 20 દિવસ પછી અહીં દરરોજ એક કલાક પીવાનું પાણી આપવાનું પરીક્ષણ કરાશે, એ દરમિયાન આવતી સમસ્યાઓનું સમાધાન કરીને નિયમિત પાણી આપવાનું આયોજન ઘડવામાં આવશે. - પરીક્ષાઓ પૂર્ણ થયા પછી વીજ પુરવઠો બંધ કરીને સપ્લાય કરાશે : હાલના સમયે શાળાઓમાં અને કોલેજમાં પરીક્ષાઓ ચાલુ છે. આ દરમિયાન વીજ પુરવઠો બંધ કરવો એ સંભવ નથી, એટલે પાલિકા દ્વારા વધુ પ્રયાસો કરાતા નથી. પરંતુ જેવી પરીક્ષા પૂર્ણ થશે એટલે સપ્લાય સમયે વીજ પુરવઠો બંધ કરવામાં આવશે અને ત્યાર પછી એક કલાક પાણી સપ્લાય કરવામાં આવશે. એ દરમિયાન જે ઘરમાં પીવાનું પાણી ન મળતું હોય અથવા અપૂરતું મળતું હશે તો તે સમસ્યાનું સમાધાન કરવામાં આવશે, તેમ અધિકારીઓ કહી રહ્યા છે.  

Panchang

dd