• રવિવાર, 22 માર્ચ, 2026

દીકરીનું સ્મિત પિતાનું સુખ, એની ખુશી એજ દુનિયા

મારી દીકરી, મારું ગૌરવ : આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે કચ્છમિત્રએ નવતર ઉજવણીના ભાગરૂપે બે સ્પર્ધાનું આયોજન કર્યું હતું. પિતાનો દીકરીનાં નામે 50 શબ્દોમાં લાગણીસભર અને પ્રેરણાદાયી સંદેશ લખવાની સ્પર્ધા અને ઈન્સ્ટાગ્રામ પરની મોસ્ટ પોપ્યુલર રીલ / પોસ્ટની સ્પર્ધા યોજાઈ હતી. 170થી વધુ પિતાએ પોતાની વહાલસોયી દીકરી માટે હૃદયોર્મિ પાઠવી હતી. તે પૈકી પ્રથમ ત્રણ સ્થાને વિજેતા થનાર પિતાના સંદેશાનું લખાણ તેમના ફોટા સાથે અહીં પ્રસ્તુત કર્યું છે. પ્રથમ વિજેતાને રૂા. 10 હજાર, દ્વિતીયને રૂા. સાત હજાર અને તૃતીયને રૂા. પાંચ હજારના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. - પ્રથમ વિજેતા મારી દીકરી, મારું આખું બ્રહ્માંડ : જ્યારે એ જન્મી હતી,હોસ્પિટલના રૂમમાં પહેલી વાર રડી હતી, એ રડવાનો અવાજ મને સંગીત લાગ્યો... લોકો કહેતા - `દીકરી થઈ છે...' પણ મને લાગ્યું મારા ઘરમાં સ્વયં લક્ષ્મી આવી છે.  જ્યારે પહેલી વાર `પપ્પા' બોલી, મારાં જીવનની સૌથી મોટી કમાણી થઈ. થાકેલો આવું કામ પરથી, પણ એ દરવાજા પર દોડી આવે, અને મારું બધું દુ:ખ ઊતરી જાય. એક દિવસ આવશે  જ્યારે એ વિદાય લેશે નવા ઘર તરફ, લોકો કહેશે, `પરાયી ધન છે દીકરી...' પણ કોઈ બાપને પૂછે   કે કેવી રીતે કાપે એ ક્ષણ ? મારા હૃદયનો ટુકડો, મારી આંખનો તારો, મારી દરેક પ્રાર્થનાનો જવાબ એ દીકરી મારી છે. દીકરી મારી મારું ગૌરવ છે, મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર છે. દુનિયા માટે કદાચ એક સામાન્ય દીકરી, પણ મારા માટે  મારું આખું બ્રહ્માંડ છે. પિતા : વિશ્વનાથ શિવનાથ નાથબાવા પુત્રી : પલ્લવીબેન ગામ : અંજાર-કચ્છ - દ્વિતીય વિજેતા મારી દીકરી, મારા સંસારનો સાર : ઉંબરે અટકેલો શ્વાસ : એક બાપનો અહેસાસ દીકરી. જે દિવસે તું જન્મી, એ દિવસે હું માણસમાંથી બાપ બન્યો. તારા નાનકડા રડવામાં મને જીવનનો અર્થ મળ્યો. તારી ઊંઘ માટે મારી રાતો જાગતી રહી, તારી હંસી માટે મારી થાકેલી સવારોએ શ્વાસ લીધો. તારા પહેલાં પગલાંએ મને શીખવ્યું કે, લડખડાવું તો પણ પડી ન જવું. તું પડી ત્યારે દુ:ખ તને લાગ્યું, પણ તૂટી હું ગયો. સ્કૂલના પહેલા દિવસે તું રડી હતી, મારી આંગળી પકડીને છૂટવા તૈયાર નહોતી. બહારથી હું મજબૂત હતો, અંદરથી તારા કરતાં વધારે ભીનો. રોજ કામથી પાછો આવું ત્યારે તું આંગણામાં ઊભી રહેતી, પાયલના નાજૂક અવાજે ઘર જીવતું થઈ જતું. તું આવકારતી અને મારા દિવસો ફરી શરૂ થઈ જતા. એક દિવસ વિદાય આવશે. આંગણું ખાલી પડશે. પાયલનો અવાજ નહીં હોય. રાહ જોતી દીકરી નહીં હોય એ દિવસે હું મારું હૃદય કોઈ બીજાને સોંપી દઈશ અને મૌનમાં જીવતો રહીશ, પરંતુ એ પછી પણ દરેક શ્વાસમાં તું હશે. દરેક નિર્ણયમાં તારો અંશ રહેશે. તું મારાં જીવનની આદત છે. મારી તાકાત છે, મારી શાંતિ છે. તું દૂર જઈને પણ કદી દૂર નહીં જાય કારણ કે, મારી ઓળખ તારાં નામથી છે. મારી દીકરી મારો સંસાર નથી એ તો મારા સંસારનો  સાર છે. પિતા : ધીરેન વાઘેલા પુત્રી : મિશિતા વાઘેલા ગામ : માધાપર (કચ્છ) - તૃતીય વિજેતા `પપ્પા' નામનો ટહુકો આખાં ઘરમાં ! : દીકરીને આવજો કરીને  એરપોર્ટથી પાછી વળેલી આંખો ગોતી રહી છે  `પપ્પા' નામનો ટહુકો આખા ઘરમાં !  કેટલાક છણકા હજીયે રણઝણે છે ઘરનાં ખૂણે-ખાંચરે ! રિસાયેલો અરીસો તાકી રહ્યો છે પ્રશ્નચિહ્નમાં ! રાઈટિંગ ટેબલ પરની ડાયરીમાં હજીયે ધબકે છે અધૂરા વાક્યોના અક્ષરો !  ખાનામાં પડયુ'તું એક એમેઝોનનું પાર્સલ ! ખોલીને જોયું તો ડૂસકાં ! એક સામટા ઊડીને પ્રવેશ્યા મારી આંખિયુંમાં, ને પછી, ધીમે ધીમે ડૂબી ગયાં ઝળઝળિયામાં ! બેસી જાઉં છું એક ખૂણે કપાઈ ગયેલી પાંખવાળા પંખીની જેમ ! પિતા : પ્રો. ડો. ઉદય ચંદ્રકાંત ગોર પુત્રી : ડો. વાણી ઉદય ગોર 

Panchang

dd