ભુજ, તા. 20 : અહીંના રેલવે સ્ટેશનનું નવીનીકરણનું
કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. દરમિયાન પ્રવાસીઓને પ્લેટફોર્મ 2 અને 3 ઉપર જવા માટે ઊભી કરાયેલી લિફટ અવારનવાર બંધ રહેતી હોવાથી પ્રવાસીઓ
સીડી ચડીને સામાન સાથે આવ-જા કરતા હોય છે અને મોટી પરેશાની ભોગવવી પડતી હોવાની ફરિયાદ
ઊઠી હતી. પ્રવાસીઓ રેલવે પ્રશાસન પ્રત્યે નારાજગી વ્યકત કરીને લિફટની સેવા ખૂબ જ જરૂરી
હોવાથી તેના તરફ વધુ ધ્યાન આપવાની માંગ કરી રહ્યા છે. સરકતી સીડીની સુવિધા પણ નહીં
હોવાથી મોટી ઉંમર, અપંગ વ્યક્તિઓ
કઇ રીતે ટ્રેન સુધી પહોંચી શકે ? તેવો પ્રશ્ન પણ પ્રવાસીઓ કરી
રહ્યા છે. બીજી બાજુ કૂલીઓ મોટી રકમ માગતા હોવાની પણ રાવ વ્યકત કરવામાં આવી હતી. સ્ટેશનનાં
નવીનીકરણનું કામ આવકાર્ય છે પણ પ્રવાસીઓ હેરાન-પરેશાન થઇ રહ્યા છે તે તરફ ધ્યાન આપવું
જોઇએ. દિલ્હી તરફની લગભગ ટ્રેન પ્લેટફોર્મ-2 અને 3માં ઊભી રહેતી
હોવાથી મુસાફરોને લાંબું અંતર કાપવું પડે છે. અંતરને ઓછું કરવા ઘણીવાર પ્રવાસીઓ વચ્ચે
ઊભેલી ટ્રેનમાંથી આવ-જા કરતા જોવા મળે છે, જે ખૂબ જ જોખમી છે. અકસ્માત થવાની સંભાવના બને છે. મુસાફરોની માંગ પ્રત્યે
તંત્ર ધ્યાન આપે તે જરૂરી હોવાનું મુસાફરો કહી રહ્યા છે.