ભુજ, તા. 20 : પશ્ચિમી વિક્ષોભની અસર તળે
ચૈત્ર માસના આરંભે કચ્છમાં વરસેલા કમોસમી વરસાદે મોટી નુકસાની સર્જી છે. માર્ચ માસમાં
કમોસમી વરસાદ ભાગ્યે જ વરસતો હોય છે, ત્યારે ગુરુવારે વરસેલા માવઠાંએ કચ્છમાં છેલ્લા દાયકાનો રેકોર્ડ તોડયો છે.
જિલ્લા મથક ભુજમાં દોઢ દાયકાનો બીજો, તો નલિયામાં એક દિવસમાં
સર્વાધિક વરસાદ નોંધાયાનું હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જણાવાયું છે. કચ્છના
મોટાભાગના વિસ્તારમાં ગઈકાલે બપોર બાદ મિની વાવાઝોડાં જેવા પવન અને ગાજવીજ સાથે સાત
તાલુકામાં તોફાની વરસાદ ખાબકયો હતો. જિલ્લા મથક ભુજ અને નલિયામાં અડધા ઈંચ વરસાદની
નોંધ થઈ હતી, ત્યારે 2011થી 2026ના 1પ વર્ષ એટલે કે, દોઢ
દાયકાના સમયગાળામાં પ્રાપ્ત આંકડા પર એક નજર
કરીએ તો ભુજમાં માર્ચ માસના આ સમયગાળામાં 2023ની સાલમાં એક દિવસમાં 20 મિ.મી. વરસાદ વરસ્યો હતો, તે પછી ગુરુવારે નોંધાયેલો વરસાદ બીજો સર્વાધિક
છે, તો નલિયામાં નોંધાયેલો વરસાદ 1પ વર્ષનો સૌથી વધુ હોવાનું આંકડા બોલી રહ્યા
છે. જ્યાં હવામાન કચેરીના સત્તાવાર આંકડા ઉપલબ્ધ
નથી તેવાં સ્થળોએ પણ ગઈકાલે વરસેલો વરસાદ વિક્રમી હોવાનું પ્રાપ્ત આંકડા બોલી રહ્યા
છે. આ કમોસમી વરસાદનાં કારણે ખેતીવાડી સહિતના ક્ષેત્રોમાં મોટી આર્થિક નુકસાની ભોગવવાનો
વારો આવ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે આ મહિનામાં હજુ પશ્ચિમી વિક્ષોભની અસરથી હજુ
એકાદ વાર વાતાવરણ પલટાઈ શકે છે.