વિશ્વનાથ જોશી દ્વારા : દયાપર (તા. લખપત), તા. 20 : છેવાડાના
લખપત તાલુકાના પ્રવાસન સ્થળો વિકસી શકે તેવી ખૂબ શક્યતાઓ છે ત્યારે ખાસ ઐતિહાસિક લખપત
ગઢની ઉત્તરે અને મોટી છેર ગામની ઉત્તરે દરિયા અને રણનું મિલન થાય છે તે જગ્યા પ્રવાસન
સ્થળ માટે વિકસી શકે તેમ છે. ઐતિહાસિક લખપત ગઢ અને તેમાં રહેલા જૂના અવશેષો તેમજ હેરિટેજ
ગુરુદ્વારા, કસ્ટમ કચેરી, મુખ્ય બજાર, પુરાતન મંદિરો, ઘોષમહમદ
કૂબો, ગઢ વિગેરે જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે,
પરંતુ ગઢની ઉત્તર તરફ રણ વિસ્તારમાં જો રણ મહોત્સવ જેવી વિવિધ સુવિધાઓ
સરકાર તરફથી કરાય તો પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકે તેમજ સ્થાનિક રોજગારી પણ મળી શકે.
સૂની સરહદોમાં પ્રવાસીઓનો પ્રવાહ વધે તો ધમધમાટ થાય. લખપતની નજીક લિગ્નાઇટ અને સિમેન્ટ
પ્રોજેક્ટ આવવાના છે, હવે રેલવે લાઇનની પણ મંજૂરી મળી ગઇ છે ત્યારે
આ વિસ્તારનું વિશેષ મહત્ત્વ વધી જાય છે. લખપત-ઘડુલી-સાંતલપુર માર્ગ પહોળો થશે. સાંતલપુર-લખપતનું
150 કિ.મી. અંતર ઘટી જશે ત્યારે
જો પ્રવાસન સ્થળોનો યોગ્ય વિકાસ થાય તો પ્રવાસીઓને રણોત્સવ સાથે વધુ ઐતિહાસિક સ્થળનો
લાભ મળે. લખપતથી 10 કિ.મી. દૂર
મોટી છેરની ઉત્તર દિશામાં હાલે ત્યાં છતરડી ઊભી કરાઇ છે. એટીપીએસ વીજ મથકમાં કામ કરતા
કર્મચારીઓ સાંજે દરિયાકિનારે પરિવાર સહિત આનંદ લે છે. મોટી છેરથી કોટેશ્વર સુધીના સમુદ્રી
વિસ્તારમાં અહીંથી સૂર્યાસ્તનો નજારો કંઇક અલગ છે. જો સનસેટ પોઇન્ટ બને તો લોકો અવશ્ય
અહીં આવે. આ દરિયાકિનારા પર છીપલાં તેમજ અલભ્ય સમુદ્રી જીવસઊિષ્ટ જોવા મળે છે. લખપત-છેર-નારાયણ
સરોવર વિસ્તાર રેલવે લાઇનથી જોડાઇ જવાનો છે. જો કે,
આ રેલવે ફક્ત ઉદ્યોગલક્ષી નહીં પણ પ્રવાસીઓને ફાયદો થાય તે માટે લખપતથી
દયાપર-માતાનામઢ-નખત્રાણા-ભુજ સુધીનું પણ જોડાણ કરવું જોઇએ. લખપતના પ્રવાસીને ભુજ રેલવે
મારફતે આવવું હોય તો ના. સરોવર, બરંદા, નલિયા થઇ ભુજ આવે જે 50 કિ.મી.નો ફોગટ ફેરો થઇ જાય જેથી રેલવે લાઇનના રૂટમાં પણ સુધારો
કરાય જેમાં માતાનામઢ તીર્થનો સમાવેશ થાય. અહીં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.
તાલુકાના પ્રવાસન સ્થળોનો ઝડપી ગતિથી વિકાસ થાય તે જરૂરી છે.