ભચાઉ, તા. 22 : તાલુકામાં ત્રણ ગ્રામ
પંચાયત સમરસ બન્યા બાદ આજે છ ગ્રામ
પંચાયતમાં ચૂંટણી યોજાઈ હતી. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક પોતાના પસંદગીના ઉમેદવાર નક્કી કરવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.આ ચૂંટણીમાં
વિજપાસર, લાખાવટ અને કણખોઈ ગ્રામ પંચાયત સમરસ બની હતી.
આજે સવારથી ઘરાણા, જૂના કટારિયા, લખપત,
માય, કકરવા અને ગણેશપર(ખડીર)માં બેલેટ પેપરનાં
માધ્યમથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઘરાણામાં ગ્રામજનોએ પોતાની પસંદગીના સરપંચ
પદ અને સભ્યપદ નક્કી કરવા માટે પોતાના મતાધિકારનો
ઉપયોગ કર્યો હતો. મતદાન મથક બહાર મોડે સુધી મતદારોની લાઈનો જોવા મળી હતી. દરમ્યાન અહીં
ધીમી મતદાન પ્રક્રિયાની ફરિયાદો ઉઠી હતી. સાંજ
સુધી 3090 મતદાર માટે 1393 પુરુષ અને 1280 મહિલા સાથે કુલ2673 લોકોએ મતદાન કર્યું હતું. માયમાં
સરપંચ અને એક સભ્ય પદ માટે કુલ 1709 મતદાર પૈકી 1228 જણે મતદાન કર્યું હતું, જેમાં651 પુરુષ અને 577 મહિલાનો સમાવેશ થાય
છે. જૂના કટારિયામાં પોતાના પસંદગીના ઉમેદવાર ચૂંટવા માટે મતદાન મથકની બહાર લાઈનો જોવા
મળી હતી. સાંજ સુધી કુલ2226થી 1638 જણે લોકશાહીના પર્વમાં
આહુતિ હોમી હતી. ગણેશપરમાં ગામના નવા સુકાની
બનાવવા માટે ગ્રામજનોએ ઉત્સાહભેર લોકશાહીનો પર્વ ઊજવ્યો હતો. કુલ 903માંથી 865 લોકોએ મતદાન કર્યું હતું,
જેમાં 462 પુરુષ અને
403 મહિલાનો સમાવેશ થાય છે. કકરવામાં
સરપંચ અને સભ્યપદ માટેની ચૂંટણી અંતગર્ત
મતદાન યોજાયુ હતું, જેમાં કુલ
1774 મતદાર પૈકી 1459 લોકોએ પોતાના મતની આહુતી આપી
હતી તેમજ લખપતમાં સરપંચ અને ચાર વોર્ડની ચૂંટણીમાં 1297 પૈકી 937 લોકોએ મતદાન
કર્યું હતું. માય ગામમાં 71.85 ટકા, ગણેશપર ગામમાં 95.79 ટકા, કકરવામાં 82.24 ટકા, લખપતમાં 72.24 ટકા, જૂના કટારિયામાં 73.58 ટકા, ઘરાણામાં 86.50 ટકા મતદાન નોંધાયુ હતું.લોકાશાહીના
પર્વમાં મહિલા-પુરુષો તેમજ વડીલો વૃદ્ધોએ પોતાનો કિંમતી મત આપ્યો હતો. ચૂંટણીને લઈને
ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉમેદવારોએ મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે મહેનત
કરતા હોવાનુ દશ્ય જોવા મળ્યું હતું. સાંજ
સુધીમાં ઉમેદવારોનુ ભાવિ મતદાન પેટીમાં સીલ થયુ હતું. 25મીએ મતદાન ગણતરી હાથ ધરવામાં આવશે. ગ્રામ્ય
વિસ્તારમાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થતા વહીવટીતંત્રે
હાશકારો લીધો હતો.