• બુધવાર, 22 મે, 2024

વી-સિંધી, દીનદયાલ પોર્ટ, ઝૂલેલાલ મહિલા મંડળની ઝાંખીઓ વિજેતા જાહેર કરાઈ

ગાંધીધામ, તા. 11 :  સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતી  ચેટીચંડ સિન્ધીયત દિવસની ઉજવણી નિમિત્તે ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં રજૂ થયેલી વિવિધ સંસ્થાઓ અને શાળાઓની  કૃતિઓને પુરસ્કૃત કરવામાં આવી હતી. શોભાયાત્રા દરમ્યાન રથયાત્રામાં  સંસ્થાઓ અને શાળાની 66 જેટલી કૃતિ રજૂ કરવામાં આવી હતી. જેમાં ઝૂલેલાલ ભગવાન અને સિંધી સંતોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ઝૂલેલાલ મંદિર  ટ્રસ્ટ દ્વારા સંસ્થાઓ અને શાળાની શ્રેષ્ઠ કૃતિઓને પારિતોષિક જાહેર કરાયા હતા, જેમાં  વી-સિંધીની  અયોધ્યા રામમંદિરની કૃતિને પ્રથમ વિજેતા જાહેર કરાઈ હતી.  ચિત્રકાર બાબુ ડોંગા દ્વારા ચિત્રકૃતિ તૈયાર કરવામાં આવી હતી અને શોભાયાત્રામાં જોડાયેલા લોકોને અયોધ્યા રામમંદિરનાં દર્શન કરાવાયાં હતાં. લોકોને ગાંધીધામ નહીં પણ અયોધ્યામાં હોવાની અનુભૂતિઆ કૃતિ મારફત થઈ હતી. દીનદયાલ પોર્ટની કૃતિ બીજા નંબરે વિજેતા બની હતી. ડીપીએ દ્વારા પોર્ટ આધારિત ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જે લોકોમાં આકર્ષણરૂપ બની હોવાનું જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું. ત્રીજો પુરસ્કાર ઝૂલેલાલ મહિલા મંડળને જાહેર કરાયો હતો. બીજા શાળાના વિભાગમાં કેમ્બ્રિજ સ્કૂલની ઝૂલેલાલ ભગવાનની કૃતિ પ્રથમ, ગજવાણી સ્કૂલ અને ત્રીજા ક્રમે ગાંધીધામ સિંધી યૂથ સર્કલની કૃતિને વિજેતા જાહેર કરાઈ હતી. સિંધી યૂથ સર્કલ દ્વારા માર્ગ સલામતીનો યુવાપેઢીને સંદેશ આપવામાં આવ્યો હતો. ઓવર સ્પીડ ચલાવવા, હેલ્મેટ પહેરવી, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો, આપણો પરિવાર રાહ જોઈ રહ્યો છે, વિગેરે સૂત્રો સાથે જાગૃતિ ફેલાવાઈ હતી. રાત્રે યોજાયેલા સંગીતના કાર્યક્રમને લોકોએ મનભરીને માણ્યો હતો. ટ્રસ્ટના ચેરમેન કુંદનકુમાર ગુવાલાણી, પ્રમુખ દર્શન ઈસરાણી, ઉપપ્રમુખ રેવા કલવાણી, સેક્રેટરી સેવક લખવાણી, કુમાર રામચંદાણી, દિલીપ છતલાણી, અશોક તલરેજા, દેવ  દાદલાણી, અશોક મોતિયાની, રાજેશ ટેકવાણી, વિશન કેવલરામાણી, હરીશ કાનજાણી, સોનુ મલાની, મુકેશ બેલાણી, લલિત વિધાણી વિગેરે સહયોગી બન્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang