ગાંધીધામ, તા. 24 : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગંભીર
ગુના આચરતા આરોપીઓને શિણાય હેડ ક્વાર્ટર ખાતે બોલાવી તેમનું ઈન્ટરોગેશન કરી કડક સૂચનાઓ
આપવામાં આવી હતી. પૂર્વ કચ્છમાં મિલકત, શરીર સંબંધી હત્યા, હત્યાની કોશિશ, ગંભીર ઈજા, ધાડ, લૂંટના ગુનાઓમાં
પકડાયેલા અને જામીનમુક્ત થયેલા 550 જેટલા આરોપીઓને શિણાય હેડ ક્વાર્ટર ખાતે બોલાવાયા હતા. અહીં
તેમનું ઇન્ટરોગેશન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમારે જણાવ્યું
હતું કે, ગુના કરતા આરોપીઓ પોલીસની નજરમાં હંમેશાં રહેતા
હોય છે. પોલીસ આવા શખ્સોની વારંવાર તપાસ પણ કરતી હોય છે. તમામ આરોપીઓને ગુનાઓ ન આચરવા
અને ભવિષ્યમાં આવી ભૂલો નહીં કરવા સમજ આપવામાં આવી હતી. આવા કૃત્યો બાદ કુટુંબ,
બાળકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે, જેથી આવા
ગુનાઓ ન આચરવા જણાવવામાં આવ્યું હતું. આરોપીઓ દ્વારા ફરીથી આવા ગુનાઓ આચરવામાં આવશે,
તો અન્ય તંત્રોને સાથે રાખીને પગલાં લેવામાં આવશે. ગુના નોંધ્યા બાદ સરકારી જમીનો પરના દબાણો બિનઅધિકૃત
વીજ જોડાણ તેમજ ગુજસીટોક, પાસા સહિતના પગલાં પણ લેવામાં આવી શકે
છે. કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો ન થાય તે માટે પોલીસ હંમેશાં સક્રિય છે. તેવો સ્પષ્ટ
અને કડક સંદેશ આપવામાં આવ્યો હતો.