માંડવી, તા. 24 : તાલુકાના કાઠડા ગામે એરસ્ટ્રીપ
વિસ્તરણનો સૂચિત પ્રોજેક્ટ આવી રહ્યો છે, જેના માટે ફાળવણી કરવામાં આવેલી 587 એકર ગૌચર જમીન કપાતમાં જવાની ભીતિથી ગામમાં મોટાપાયે કરવામાં
આવતા પશુપાલનના વ્યવસાય અને ગાયો ઉપર તેની સીધી અસર પડી શકે છે, જેના માટે પ્રથમ હાઇકોર્ટમાં અને ત્યારબાદ સુપ્રીમકોર્ટમાં
અરજ કરાઈ હતી જે નકારી દેવામાં આવતાં કાઠડા ગામેથી સોનલ માતાજીના મંદિરે સરપંચ સોનલબેન
ભારુભાઇ ગઢવી સાથે 500 જેટલી બહેને
પોસ્ટકાર્ડ લખી કાઠડા ગામની ગૌચર જમીન બચાવવા વડાપ્રધાન પાસે ગુહાર લગાવી છે. આ પોસ્ટકાર્ડમાં વડાપ્રધાનને લખવામાં આવ્યું છે કે, કાઠડા ગામમાં એરસ્ટ્રીપ માટે કચ્છના કલેક્ટર
દ્વારા 587 એકર ફળદ્રુપ ગૌચર જમીનની ફાળવણી
કરવામાં આવી છે, ત્યારે ચારણ સમાજ જે માલધારી
સમાજ છે આ એરસ્ટ્રીપમાં જે જમીન જશે, એમાં આજીવિકા છીનવાઈ જવાનો
ખતરો છે. કાઠડા ગામની મહિલાઓ આત્મનિર્ભર બનવા ગામની દૂધની ડેરીઓ ચલાવે છે. અમારી રોજીરોટી
ન છીનવાય એટલે આ પ્રોજેક્ટને અન્ય જગ્યા અથવા ફેર વિચારણા કરવામાં આવે એવી રજૂઆત કરાઇ
છે. કાઠડા ગામની ગૌચર જમીન બચાવવા માટે હાઇકોર્ટ અને પછી સુપ્રીમકોર્ટમાં નિષ્ફળતા
મળ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર સૌ ગ્રામજનોની મીટ મંડાઈ છે. કાઠડા ગામની
ગૌચર જમીન બચાવવા માટે વિવિધ આયોજનો અને ગાંધી ચીંધ્યા માર્ગે પ્રયાસો અવિરત કરવામાં
આવશે, તેવું આગેવાન ભારુભાઈ ગઢવીએ જણાવ્યું હતું.