મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 24 : કચ્છના સફેદ
રણ તરીકે ઓળખાતાં ધોરડોમાં આજે પ્રવાસનનાં નામે સ્થાનિકોની રોજગારી લૂંટાતી હોવાની
ફરિયાદ ઊઠી છે. પછોતરા વરસાદનાં કારણે આ વર્ષે સફેદ રણની ચમક ઓછી હોવા છતાં દેશભરના
સહેલાણીઓનો ધસારો ચાલુ છે, પરંતુ તેનો
લાભ સ્થાનિકોને મળવાને બદલે તેમની આજીવિકા પર ઘા પડ્યો છે. છેલ્લા બે વર્ષથી ભુજથી
ધોરડો સુધી ચલાવવામાં આવતી એસટી બસ સેવા શરૂઆતમાં સુવિધા ગણાતી હતી, પરંતુ હાલ તે ઊંટગાડી અને ઘોડાગાડી ચલાવતા લોકો માટે વિનાશક સાબિત થઈ રહી છે.
અગાઉ એસ.ટી. બસો સફેદ રણ અથવા ટોયલેટ પોઈન્ટ સુધી જતી હતી અને ત્યારબાદ પ્રવાસીઓને
ઊંટગાડી-ઘોડાગાડી દ્વારા વોચટાવર સુધી લઈ જવાતા હતા, પણ હવે જાણીબૂઝીને
એસ.ટી. બસોને છેક વોચટાવર સુધી દોડાવવામાં આવી રહી છે, જેના કારણે
સ્થાનિકોની રોજગારી સીધી રીતે છીનવાઈ રહી છે.
સ્થાનિક લોકો બાર-બાર મહિના સુધી ઊંટ અને ઘોડાની દેખભાળ કરે છે અને માત્ર ત્રણ
મહિના માટે મળતો આ વ્યવસાય તેમના પરિવારના ચૂલા સળગાવે છે. હાલ આશરે 160 ઊંટ, 50 જેટલા ઘોડા
સહિત કુલ 210 જેટલા જાનવર અને તેમની ઉપર
આધાર રાખતા અંદાજે 150 જેટલા પરિવારો
આ ધંધા સાથે જોડાયેલા છે. જો આ ત્રણ મહિનાનો ધંધો પણ છીનવાઈ જશે તો પ્રશ્ન ઊભો થાય
છે કે ઊંટ-ઘોડા શું ખાશે? અને આ 150 પરિવારો શું ખાશે? તેવા સવાલ સ્થાનિક લોકોએ કર્યા હતા. સ્થાનિકોએ
પોતાના દુધાળા પશુઓ વેચીને ઊંટ અને ઘોડા ખરીદ્યા છે, સરકાર અને
રણોત્સવ પર વિશ્વાસ રાખીને મૂડી રોકી છે. આજે જ્યારે રોજગારી બંધ થવાની કગાર પર છે
ત્યારે આ 210 ઊંટ-ઘોડા
અને અશ્વસવાર ક્યાં જશે તે મોટો પ્રશ્ન બની ગયો છે. વ્યવસાય સાથે સંકળાયેલા અને ધોરડો
ગામના જુણસ ઉમેદઅલી મુતવાએ જણાવ્યું હતું કે, એસ.ટી. બસોને વોચટાવર સુધી દોડાવીને સીધા સ્થાનિકોની રોજગારી પર કાપ મૂકવામાં
આવી રહ્યો છે. જો તાત્કાલિક ધોરણે વોચટાવર સુધીની એસ.ટી. બસ સેવા બંધ નહીં કરવામાં
આવે તો 150 પરિવારો બેરોજગાર બનશે અને
સૈકડો પશુઓ રસ્તા પર આવી જશે એવું જી. કે.
મુતવાએ જણાવ્યું હતું.