• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

ઠંડા પવનમાં કચ્છ ઠુઠવાયુ : નલિયા પાંચ ડિગ્રી

ભુજ, તા. 24 : ઉત્તરાયણ બાદ ધીમે ધીમે ઠંડીની અસર હળવી બન્યા બાદ અચાનક બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ઉત્તર-પૂર્વ દિશાએથી ફૂંકાતા સુસવાટા મારતા ઠંડા પવનોના પગલે કચ્છ કાતિલ ઠંડીમાં સપડાયું હતું. હાડ થીજવતી શીતલહેરમાં કચ્છી કાશ્મીર નલિયામાં 12 ડિગ્રીમાંથી પારો સાત ડિગ્રી ગગડીને પાંચ ડિગ્રીએ પહોંચતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. અબડાસાના મુખ્ય મથક નલિયા સહિત ગરડાપંથકના વાયોર, અકરી, નાની-મોટી-બેર, સાંધીપૂરમ તેમજ દરિયાઈ પટ્ટીના ગામો સુથરી, પીંગલેશ્વર, રાપર-ગઢ, સિંધોડીમાં ઠંડા પવન ફૂંકાતા જનજીવન ગયું હતું. પશુધનને ઠંડીથી રાહત આપવા કંતાન ઓઢાડયા હતા. ગામોએ શહેરોમાં શીત સંચારબંધીને પગલે સનાટો જોવા મળ્યો હતો. જિલ્લા મથક ભુજમાં સુસવાટા મારતા પવન સાથે ઠાર અનુભવાયો હતો. લગ્ન પ્રસંગો, સમારંભો, મોટા આયોજનોમાં ઉપસ્થિતોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. નાના બાળકોથી લઈને મોટી ઉમરના લોકો કડકડતી ઠંડીમાં પવનના જોરથી ઠૂંઠવાયા હતા. લોકોને ગરમ કપડાનો ફરજિયાત સહારો લેવાની ફરજ પડી હતી. જિલ્લામાં 15થી 20 કિ.મી. ઝડપે પવન ફૂંકાયો હતો. ભુજમાં ગઈ કાલે 14 ડિગ્રીમાંથી ગગડીને 22 ડિગ્રી તથા લઘુતમ 9.8 ડિગ્રી નોંધાતા ડંખીલો ઠાર અનુભવાયો હતો. નખત્રાણા વિસ્તારમાં માકપટમાં દિવસભર ઘાબડિયા વાતાવરણ વચ્ચે સાંજે મેઘવાદળી સર્જાઈ હતી. સંભવિત માવઠું સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. કુકમામાં માવઠા સાથે વધેલી ઠંડીએ જોર જમાવ્યું હતું. ઝાકળના આગવા મિજાજ સાથે બપોરે દોઢ વાગ્યાની આસપાસ સૂર્યનારાયણની હાજરીમાં જ મેઘધનુષ્ય રચાયું હતું. લોકો આ નજરો જોઈ રોમાંચિત બન્યા હતા. માંડવી તથા મુંદરામાં લઘુતમ 10 ડિગ્રી તથા 11 ડિગ્રીના પગલે બપોરે પણ ટાઢોડુ અનુભવ્યું હતું. જેના પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. અનેક ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે તથા સાંજે લોકોએ ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. રાપરમાં લઘુતમ 8 ડિગ્રી તથા ખાવડામાં 9 ડિગ્રીને પગલે સમગ્ર જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. અંજાર ગાંધીધામમાં પણ એક જ દિવસમાં આઠ ડિગ્રી ગગડીને 8.3 ડિગ્રીએ પહોંચ્યો હતો. દિવસનું તાપમાન પણ નીચું રહેતા વધુ તીવ્રતા સાથે ઠંડી અનુભવાઈ હતી. 

Panchang

dd