• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

ગુજરાત આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ તરીકે ગાંધીધામ આર્ય સમાજના પ્રમુખને જવાબદારી

ગાંધીધામ, તા. 24 :  આર્ય સમાજની  તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલી  ચૂંટણીમાં ગાંધીધામ આર્યસમાજના  પ્રમુખને સમગ્ર ગુજરાતની જવાબદારી સોંપવામાં અવી હતી. પ્રથમ વખત  ગાંધીધામમાંથી ગુજરાત  પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાનું સર્વોચ્ચ નેતૃત્વ પ્રાપ્ત થયું છે. આર્ય સમાજ પરિવાર દ્વારા સર્વસંમતિથી ગાંધીધામ આર્ય સમાજના પ્રમુખ વાચોનિધિ આચાર્ય  પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગાંધીધામથી ઉદભવેલું નેતૃત્વ  હવે સમગ્ર ગુજરાતમાં આર્ય સમાજના વિચાર, કાર્ય અને સંગઠનને નવી દિશા આપશે, તેવો વિશ્વાસ સૌ કોઈએ બેઠકમાં વ્યક્ત કર્યો હતો. નવા નિમાયેલા પ્રમુખ  વર્ષ 2014થી ગાંધીધામ આર્યસમાજની જવાબદારી  નિભાવી રહ્યા છે. તેમજ સાર્વદેશીક આર્ય પ્રતિનિધિ સભા દિલ્હીના સંયુક્ત મહામંત્રી તરીકે પણ ફરજ બજાવી રહ્યા  છે. તેમના નેતૃત્વ હેઠળ આર્ય સમાજ  ગાંધીધામ માત્ર સંસ્થા નહીં, પરંતુ વિચાર, શિસ્તસેવા અને  સંગઠનની દ્રષ્ટિએ એક મોડેલ આર્ય સમાજ તરીકે  ઓળખાય છે. વાચોનિધિ આચાર્યએ ચાર દાયકાથી સંસ્થાને ઉંચાઈએ પહોંચાડવા સંકલ્પ સાકાર કર્યો છે.  કંડલા વાવાઝોડા અને  2004નાં દક્ષિણ ભારતની સુનામી  પછી પુન: વસનના કાર્યમાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી.  દક્ષિણ ભારતમાં  તેમના દિશા નિર્દેશ તળે પોંડિચરી ખાતે  જીવન પ્રભાતની સ્થાપના કારાઈ હતી. ગાંધીધામ ખાતે ઓક્સીજન બેન્કની સ્થાપના કરી. કચ્છના વિનાશક ભૂકંપમાં  ત્રીજા  જ દિવસે અનાથ બાળકો માટે જીવન પ્રભાતની સ્થાપના કરી  અને 25 વર્ષમાં આ સંસ્થાના માધ્યમથી અનેક બાળકો શિક્ષિણ સ્વાવલંબી બન્યા છે.  શિક્ષણ ક્ષેત્રે 2009માં આદિપુરમાં ડીએવી  પબ્લિક સ્કૂલ અને અંજારમાં ઓમ ડી.એઁ.વી પબ્લિક સ્કૂલની સ્થાપના કરવામાં આવી છે. મહામંત્રી તરીકે દીપક ઠક્કર (જામનગર)ની  નિમણૂક કરાઈ છે. તેમની ટીમમાં ગુજરાતના દરેક પ્રદેશ ક્ષેત્રને  પ્રતિનિધિત્વ અપાશે, તેવું  ગાંધીધામ આર્યસમાજના ગુરુદત શર્મા અને મોહન જાંગીડે કહ્યું હતું. 

Panchang

dd