રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા દિવસાદિવસ વકરતી જાય
છે. દર શિયાળે ભારે ચિંતા જગાવતી આ સમસ્યાનો વ્યાપ હવે એનસીઆર વિસ્તારના અને ઉત્તર
ભારતના રાજ્યો સુધી વધી ગયો છે. મર્યાદિત સમય માટેનો આ પ્રશ્ન હવે વધુ લંબાતો જતો હોવાને
લીધે રાજધાની દિલ્હી અને સંબંધિત રાજ્યો માટે મોટો પડકાર ઊભો થઈ ગયો છે. આગ લાગે ત્યારે
કૂવો ખોદવા જેવા પગલાં લઈને સ્થિતિનો ઉકેલ આણતી એનસીઆર અને દિલ્હીની સરકારોએ હવે અગામી
ગુરુવારથી આખાં વર્ષ દરમ્યાન સતત સક્રિય અને સજાગ રહેવાની આવકારદાયક કમર કસી છે. એનસીઆરના
તમામ રાજ્યો અને દિલ્હીએ વાયુ પ્રદૂષણને પહોંચી વળવા આખાં વર્ષ દરમ્યાન સક્રિય રહેવાનાં
પગલાંનાં સકારાત્મક પરિણામ આવે એવી આશા રાખવી રહી. આજે આ રાજ્યો અને રાજધાનીની હવા દિવસાદિવસ ઝેરી
બની રહી છે, તેવા સમયે આ પગલું ખેરખર
બહુ વહેલું લેવાની જરૂરત હતી. આજે હાલત એવી છે કે, જ્યારે જ્યારે
વાયુ પ્રદૂષણ વધી જાય છે, ત્યારે અલગ-અલગ રાજ્યો પોતાની રીતે
પગલાં લેતા હોય છે, પણ આ અધૂરાં પગલાં અને અન્ય રાજ્યો સાથેનાં
સંકલનના અભાવને લીધે તેની જોઈએ એવી અસર વર્તાતી નથી. હવે નવા સંકલિત કાર્યક્રમ તળે
આખાં વર્ષ દરમ્યાન આ રાજ્યો અને રાજધાની પ્રદૂષણને રોકવાનાં પગલાં લેવા ધારે છે,
તેની યોજના કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલય તથા વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન
પંચને સોંપી છે. આખાં વર્ષ દરમ્યાન લેવાનારાં આ પગલાંની દર મહિને સમીક્ષા કરવાની જોગવાઈ
પણ આ કાર્યક્રમ તળે રખાઈ છે, પણ હવે આ સમસ્યા માત્ર દિલ્હી અને
એનસીઆર પૂરતી મર્યાદિત રહી નથી. ઉત્તર ભારતના લગભગ તમામ રાજ્યો વાયુ પ્રદૂષણનો ભોગ
બની રહ્યા છે. ખરેખર તો દેશના વધુ ને વધુ રાજ્યો હવે આ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી
રહ્યા છે. આવામાં હવે આખા દેશમાં આ સમસ્યાને પહોંચી વળવાની યોજનાનો અમલ શરૂ થવો જોઈએ.
વળી હાલે જે પગલાં લેવાનું આયોજન હાથ ધરાયું છે, તેના પરિણામ
ક્યારે આવી શકશે એ હજી કહી શકાય તેમ નથી, પણ આવા કોઈ પણ સરકારી
પગલાંમાં નાગરિકોની સામેલગીરી જ તેને સફળ પરિણામ આપી શકશે. નાગરિકોને તેમનું યોગદાન
આપવા માટે જાગૃતિ અને પ્રેરણા આપવા પર પણ પૂરતું ધ્યાન આપવું જોઈશે. ખાસ તો આ યોજના
માત્ર કાગળ પર રહી જાય નહીં તેની માટે લોકપ્રતિનિધિઓ, સંસ્થાઓ
અને નાગરિકોએ સતત જાગૃત રહીને સરકારી તંત્રો પર સતત દબાણ રાખવું પડશે. સાથોસાથ માસિક
સમીક્ષાની વિગતો પણ સંબંધિતોએ જાહેર કરીને તેની અસરકારકતા દેશને બતાવવી જોઈશે. સરકારે
ખેરખરનો દિલ્હી અને એનસીઆરથી શરૂ કરેલી આ મહત્ત્વની પહેલ વહેલી તકે આખા દેશમાં અમલી
બનાવવી જોઈએ, જેથી પ્રદૂષણના પડકારનો સામનો કરી શકાશે.