ચાંદીમાં ખરેખર ચાંદી થઈ ગઈ છે. છેલ્લા કેટલાય દિવસથી સતત ઊંચા
જઈ રહેલા ચાંદીના ભાવ આખરે સોમવારે કિલોદીઠ ત્રણ લાખ રૂપિયાને પાર કરી ગયા છે. ગયાં
વર્ષના છેલ્લા મહિનામાં સિલ્વરનો દર પોણા બે લાખથી અઢી લાખની રેન્જમાં અથડાતો રહ્યો
હતો અને ઈસુનાં નવાં વર્ષનાં ત્રણ અઠવાડિયાંમાં સંક્રાંતિના કાળમાં ક્રાંતિ કરતાં 30 ટકાની વૃદ્ધિ સાથે ત્રણ લાખના
સીમાચિહ્નને આંબી ગયો છે. સોનાની વધતી કિંમતોને કારણે રોકાણકારો ચાંદી તરફ વળ્યા છે, તો સૌરઊર્જા, ઈલેક્ટ્રોનિક
વ્હીકલ્સ અને મોબાઈલ-કોમ્પ્યુટર અને મુખ્યત્વે તો બેટરીઝમાં સિલ્વરના ઉપયોગને પગલે
વધેલી માગ દરોમાં ઊર્ધ્વગતિનું કારણ બન્યાં છે. ચાંદીની માગમાં અડધોઅડધ ઉછાળો તેના
ઔદ્યોગિક ઉપયોગને આભારી છે અને અપેક્ષા એવી છે કે, આગામી સમયમાં
સાડા ત્રણ લાખના ઓલટાઈમ હાઈ સુધી આ ચળકતી ધાતુ પહોંચી જશે. ભારતમાં ચાંદીનું ઉત્પાદન
ઓછું હોવાને કારણે આપણે આયાત પર નિર્ભર છીએ. મેક્સિકો, ચિલી,
બોલિવિયા, આર્જેન્ટિના તથા પેરુ જેવા લેટિન અમેરિકન
દેશો ચાંદીનાં ઉત્પાદનમાં મોખરે છે, પણ હાલ યુએસએના બદલાતા તેવર
અને આ દેશોનાં કુદરતી સંસાધનો પર જગત જમાદાર સમા દેશનો ડોળો હોવાથી ચાંદીનું ઉત્પાદન
દબાણ હેઠળ છે. વળી, રશિયા-યુક્રેન ઉપરાંત ઈરાનમાં અનિશ્ચિતતા,
ચીન-તાઈવાન સંઘર્ષ ઉપરાંત અમેરિકાની ટેરિફ અંધાધૂંધીને કારણે વૈશ્વિક
અર્થતંત્ર દબાણ હેઠળ છે. અનિશ્ચિતતાના આવા કાળમાં રોકાણકારો સોનાને સુરક્ષિત ગણે છે
અને તેમાં રોકાણ વધારે છે, પરંતુ સોનામાં પણ તેજીને કારણે ચાંદી
પર પસંદગીનો કળશ ઢોળાતો હોવાનું જોવા મળે છે. વળી, ઉત્પાદન કરતાં
ચાંદીની માગ વધુ હોવાને કારણે પણ ભાવ વધી રહ્યા છે. ઓક્ટોબર-2024માં ચાંદી કિલોદીઠ એક લાખ પર
પહોંચી હતી અને ત્યાંથી બે લાખના આંકડા સુધી પહોંચતાં 14 મહિના લાગ્યા હતા, 12મી ડિસેમ્બર-2025ના આ સીમાચિહ્ન વટાવ્યા બાદ
એક મહિનાથી થોડા વધુ સમયમાં ત્રણ લાખને પાર પહોંચી ગઈ છે. એમ તો ચાંદીમાં એકાએક કડાકો
બોલવાનો ભય પણ છે. જો કે, પરિબળો અને
પરિસ્થિતિ જોતાં હાલ તુરત તો આમાં કોઈ ફેરફાર થાય એવી શક્યતાઓ ઓછી જણાય છે. સામાન્ય
વ્યક્તિ પણ સરળતાથી ખરીદી શકે એટલે ચાંદી ગરીબોનું સોનું ગણાતી આવી છે. લગ્નપ્રસંગોમાં
ચાંદી એ કારણે છૂટથી ખરીદવામાં આવતી. 2025થી સંજોગ બદલાયાં છે. સોના કરતા ચાંદી ઘણી મોંઘી થઇ ચૂકી છે.
હવે ચાંદીમાં હાથ નાખવામાં દાઝી જવાય એવી પરિસ્થિતિ છે. 2025માં આશરે 150 ટકા ઊછળેલી ચાંદી 30 ટકા 2026માં વધી છે. સોનું ફક્ત 78 ટકા વધી શક્યું છે. ચાંદી એ
રીતે દળદાર વળતર આપનારી સાબિત થઇ છે. અકલ્પનીય તેજીએ સૌને ચોંકાવી દીધાં છે. ભૂતકાળમાં
પાંચ-10 વર્ષે પણ ન થતી એટલી વધઘટ એક
દિવસમાં થઇ જાય છે. બીજીતરફ શેરબજારો તૂટતા જાય છે. ડોલર સામે રૂપિયો ઢીલોઢફ્ફ થઇ ચૂક્યો
છે. કોઇ એસેટ ક્લાસમાં વળતર નથી ગળતર છે. જો કે,
સૌને ચાંદીમાં ચાંદી દેખાય છે. તેજીના કારણ એક નહીં અનેક છે,
અત્યારની પરિસ્થિતિ ન ભૂતો ન ભવિષ્યતિ છે. અલબત્ત અત્યારે મુશ્કેલી નાના
વર્ગની વધી ગઇ છે. લગ્ન કે કોઇ પણ માંગલિક પ્રસંગોએ રૂપું એટલે કે, ચાંદીના ઝવેરાત ખરીદવામાં આવતા હોય છે. ચાંદી હવે ખરીદી શકાય તેમ છે જ નહીં.
રોજ નવો ભાવ અકળાવી રહ્યો છે.