• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

ધરતી વલોવાઇ ને રચાયું નવું કચ્છ

તંત્રી સ્થાનેથી.. : દીપક માંકડ : કચ્છના વિનાશક ધરતીકંપને 26મી જાન્યુઆરીએ પચ્ચીસ વર્ષ પૂરાં થશે. 21મી સદીના પ્રારંભના જ કાળખંડમાં બનેલી ઘટનાનાં વાયબ્રેશન હજુએ કચ્છીઓને કંપાવી રહ્યાં છે. હજારો પરિવારો ક્ષણભરમાં ઉપર આભ ને નીચે કાટમાળની સ્થિતિમાં આવી ગયા. ધંધા - રોજગાર ચોપટ. વહાલસોયાં સ્વજનો ગુમાવનારા લોકોને જે ખોટ પડી એ તો કદી પૂરાઇ શકવાની નથી. કચ્છનો ભૂકંપ તવારીખી છે, તો એ પછી જે ડેવલપમેન્ટ થયું એ સોનેરી ઇતિહાસ છે. ધરતી વલોવાણી ને જાણે વિકાસનું અમૃત નીકળ્યું... આત્મબળ અને પુરુષાર્થથી આ ધરતી અને તેના લોકોએ બેઠા થવાનો પડકાર ઝીલ્યો ને દુનિયા સમક્ષ દૃષ્ટાંત મૂક્યું. આજે ડિઝાસ્ટર વખતે બેઠા થવાનું રોલ મોડેલ કચ્છ બની ગયું છે. 2001ના એ ભૂકંપને ત્રાજવાંનાં બે પલડાંમાં તોળીએ અને જે નીપજ્યું, એ કવિ રમેશ પારેખે બે પંક્તિમાં બયાન કર્યું છે...`તારી બધી વરવી વિનાશકતા ભૂંસીકરશું ખડી આનંદની દુનિયા નવી' કચ્છની નવી દુનિયાનાં ઓવારણાં લેતાં વાત કરીએ કોફી ટેબલ બુકની. આમ તો ભૂકંપને પહેલી વરસીથી દરેક વર્ષે, દાયકો, બે દાયકા જેવા મહત્ત્વના પડાવે  કચ્છમિત્રએ અભ્યાસપૂર્ણ લેખ, ન્યૂઝ રિપોર્ટ્સ આપ્યા છે. સારાં કામોને બિરદાવ્યાં છે, તો ખામી - અધૂરાશ તરફ અંગુલિનિર્દેશ કર્યો છે...થોડા સમય પહેલાં દૃષ્ટિવાન સામાજિક અગ્રણી લીલાધર ગડા (ભોજાય) કચ્છમિત્રમાં આવ્યા, ત્યારે વાત વાતમાં તેમણે સૂચવ્યું કે ભૂકંપને 25 વર્ષ થાય છે, એ ઘટના કચ્છ માટે મોટી છે. તેમણે બીજ રાખ્યું, જે અંકુરિત થયું અમારા માર્ગદર્શક અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા સાથેની ચર્ચામાં. તેમના અદમ્ય ઉત્સાહ સાથે કોન્સેપ્ટ ડેવલપ કર્યો. ટીમ કચ્છમિત્ર કામે લાગી અને એનું પરિણામ આપની સમક્ષ છે. કચ્છનાં પુનરોત્થાનની ગાથાનો નાયક ખુદ કચ્છી માડુ છે, પણ ગુજરાત અને કેન્દ્ર સરકાર, કચ્છની સ્થાનિક તથા દેશ - વિદેશની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ (એનજીઓ)ની હૂંફ વિના બેઠા થવું મુશ્કેલ હતું. આ પુસ્તકમાં એ તમામ પાસાં આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. ભૂકંપમાં ભંગાયેલી પગથાર પર ચડીને કચ્છ ઉન્નત ભવિષ્ય ભણી અગ્રેસર છે, એ પોઝિટિવ મેસેજ `ધ્રુજારી : એક નવી શરૂઆત' આપે છે.  ગુજરાતના સૌજન્યશીલ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કોફી ટેબલ બૂક અને ધ્રૂજારી એક નવી શરૂઆતનું વિમોચન અને વેબ સિરીઝની પ્રસ્તુતિ થવાની  છે, એ ઐતિહાસિક ઘટના બની રહેશે. ભૂપેન્દ્રભાઇ `કચ્છમિત્ર ભવન' આવીને ટીમ કચ્છમિત્રને, જન્મભૂમિ જૂથનાં મૂલ્યનિષ્ઠ પત્રકારત્વને બિરદાવી ચૂક્યા છે, એ સહેજે યાદ અપાવીએ. કચ્છ આજે ગુજરાત અને ભારતનો મહત્ત્વનો આર્થિક કોરિડોર બની રહ્યો છે. પ્રવાસન ખૂબ વિકસ્યું છે એ નોંધનીય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છને ખૂબ લાડ લડાવ્યા છે. શ્રી મોદી વારંવાર કહેતા રહ્યા છે આફતને અવસરમાં બદલવાનો પાઠ દુનિયાને કચ્છે શીખવ્યો છે. એક સમયે ત્યજાયેલી, અવિકસિત સૂકી ધરતી પર મુશ્કેલી - વેદનાનાં આંસુ વહેતાં, હવે વિકાસ, સમૃદ્ધિ, ગતિશીલ અર્થતંત્રની ભરતી શરૂ થઇ છે. પચ્ચીસ વર્ષ પૂર્વેનો ધરતીકંપનો સમય વિકટ હતો. કચ્છ તરફ દુનિયાભરમાંથી સહાનુભૂતિનો ધોધ વહી નીકળ્યો હતો. બચાવ - રાહત કામગીરીથી લઇને કચ્છનાં પુનર્વસન સુધીની પ્રક્રિયામાં લોકોને ભરપૂર હૂંફ મળી... ભંગાયેલા ભુજિયા કિલ્લાના તૂટેલા ગઢને નિહાળતા કચ્છી માડુઓએ મનોમન હિંમત એકઠી કરી કે પહાડ અડીખમ છે, તો કાંગરા નવા ઊભા થઇ જશે... આજે ભુજિયાની તળેટીમાં પથરાયેલું બેનમૂન સ્મૃતિવન કચ્છનાં પુનરાત્થાનનું પ્રતીક બની રહ્યું છે, એ જગા પરથી કચ્છમિત્ર-જીએસડીએમએ અને રેડક્રોસના સહયોગ સાથે દુનિયાને આ ધરતીની તાકાત, અહીંના લોકોની અદમ્ય હિંમતનો સંદેશ આપી રહ્યું છે. `સ્મૃતિવંદના' સાથે કચ્છના વિકાસનાં ઓવારણાં લેવાશે. સર્વે કચ્છી આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનશે એવી શ્રદ્ધા સાથે ભૂકંપના દિવંગતોને સ્મરણાંજલિ.  

Panchang

dd