• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

જન્મભૂમિ પત્રોના દિલ્હી બ્યૂરોના વડાનું નિધન

નવી દિલ્હી, તા. 24 : જન્મભૂમિ પત્રોના નવી દિલ્હી ન્યૂઝ બ્યૂરોના વડા આનંદ કે. વ્યાસનું શુક્રવારે મોડી રાત્રે હૃદયરોગના તીવ્ર હુમલાથી અવસાન થતાં જન્મભૂમિ ગ્રુપ અને પત્રકાર આલમમાં શોકની લાગણી ફરી વળી હતી. તેઓ 56 વર્ષના હતા. આનંદભાઈનું અણધાર્યું અવસાન પત્રકારજગત માટે આઘાતજનક બીના છે. જન્મભૂમિ અખબાર જૂથના મેનાજિંગ એડિટર કુન્દનભાઈ વ્યાસના વચલા પુત્ર આનંદભાઈ વર્ષ 2000થી નવી દિલ્હીના બ્યૂરોમાં કાર્યરત હતા. આ દરમિયાન તેઓ નિયમિત સંસદની કાર્યવાહીનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત દેશનાં રાજકારણમાં થતી ઊથલપાથલ અને ઘટનાઓના અહેવાલો સાથે સાંપ્રત સ્થિતિનું સચોટ વિશ્લેષણ કરવા માટે તેઓ જાણીતા હતા. એલએલબી થયેલા આનંદભાઈ પત્રકારત્વમાં આવ્યા એ પહેલાં પાંચ વર્ષ સિનિયર એડવોકેટ તરીકે નવી દિલ્હીમાં પ્રેક્ટિસ કરી હતી. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના તત્કાલીન મેનાજિંગ ટ્રસ્ટીના આગ્રહથી તેઓ નવી દિલ્હીના ન્યૂઝ બ્યૂરોમાં જોડાયા હતા. મિલનસાર આનંદભાઈ સ્વસ્થ હતા, શુક્રવારે રાત્રે એકાએક આવેલા હૃદયરોગના હુમલાને પગલે તેમનું અવસાન થયું છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા, ટ્રસ્ટીઓ પ્રીતિબેન મહેતા, ગૌતમભાઈ ત્રિવેદી, સંજયભાઈ એન્કરવાલા તથા પ્રણવભાઈ અદાણીએ આનંદભાઈએ કરેલી જન્મભૂમિ જૂથ તથા પત્રકારત્વ ક્ષેત્રે અઢી દાયકાની સેવાઓને બિરદાવતાં શ્રદ્ધાંજલિ અર્પી હતી અને કુન્દનભાઈ વ્યાસના પરિવારને સાંત્વના પાઠવી હતી. દરમ્યાન મુંબઇ ગુજરાતી પત્રકાર સંઘે શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આનંદભાઇએ વર્ષે સુધી દિલ્હીમાં રહીને જન્મભૂમિ જૂથ સહિત પત્રકારત્વની સેવા કરી છે. તેઓની ખોટ ગુજરાતી પત્રકાર જગતને સાલશે. આ કપરા કાળમાં આપશ્રી તથા પરિવારને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં અરજ. 

Panchang

dd