• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

હિમાચલમાં ભારે હિમવર્ષા : 563 સડક ઠપ

નવી દિલ્હી, તા. 24 : હિમાચલ પ્રદેશમાં ચાલ મહિનાથી ચાલતા દુષ્કાળનો સમય ભારે હિમવર્ષા સાથે પૂરો થયો છે. હવામાન વિભાગના એલર્ટ વચ્ચે શુક્રવારથી જ પ્રદેશના ઘણા વિસ્તાર બરફથી ઢંકાયા છે. સિમલા, મનાલી, ડલહૌજી અને ચાયલ જેવાં પર્યટન સ્થળમાં ઋતુની પહેલી હિમવર્ષા થઈ હતી. હિમાચલનાં નીચલા ક્ષેત્રમાં વરસાદ સાથે કરા પડયા હતા. ભારતે હિમવર્ષા અને વરસાદનાં કારણે પાંચ નેશનલ હાઇ વે સહિત પ્રદેશની 563 સડક ઠપ થઈ હતી. અપર સિમલા સહિત પ્રદેશના ઘણા વિસ્તાર સાથેનો સંપર્ક કપાયો હતો. બીજી તરફ બરફવર્ષાનાં કારણે કાશ્મીરનો સડક અને હવાઈ સંપર્ક દેશ સાથે તૂટયો છે. જમ્મુ-શ્રીનગર હાઇ વે બંધ થતાં વાહનોની કતાર લાગી હતી. કુપવાડામાં એલઓસી નજીકના કરનાહ, ટિટવાલમાં 2005 બાદ પહેલી વખત બરફવર્ષા થઈ હતી. કુફરી-ફાગૂમાંથી 100 અને આનીના રઘુપુર ગઢમાંથી 48ને રેસ્ક્યૂ કરવામાં આવ્યા  હતા. પ્રદેશમાં 10,384 ટ્રાન્સફોર્મર ઠપ થવાની ઘણા ગામોમાં વીજળી પહોંચી નહોતી. વરસાદ અને હિમવર્ષાથી પાકને સંજીવની મળવાની સાથે પર્યટન પણ જીવંત થવાની શક્યતા છે. સિમલા, મંડી, કુલ્લુ, કિન્નોર, લાહોલ-સ્પીતિ અને ચંબા જિલ્લાનાં ઘણાં ક્ષેત્રમાં દિવસભર હિમવર્ષા થઈ હતી. આ દરમિયાન સિમલામાં સેંકડો પર્યટક વાહન બરફમાં ફસાયેલા રહ્યા હતા. ઉપરાંત સડકો બંધ હોવાથી પરિવહન ઠપ થયું હતું.  ઉત્તરાખંડના બદરી-કેદારથી લઈને અનેક પર્યટન સ્થળે હિમવર્ષા થઈ હતી. મસૂરી, ચકરાતા, ધનોલ્ટી, ઔલી, ટિહરી, હર્ષિલ, અલ્મોડામાં શુક્રવારે આખો દિવસ બરફ  વર્ષા થઈ હતી. આ ઉપરાંત વૈષ્ણોદેવીના દર્શન માટેની યાત્રા ભારે બરફવર્ષાનાં કારણે સાત કલાક માટે સ્થગિત કરવી પડી હતી. હવામાન વિભાગે હજી પણ આગામી બે દિવસ ભારે હિમપાત અને વરસાદની આગાહી કરી છે.   

Panchang

dd