નવી દિલ્હી, તા. 23 : એક તરફ અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનો દંડૂકો પછાડી રહ્યા છે, બીજી તરફ એશિયામાં ચીન-પાકિસ્તાનની ધરી પણ ચિંતા
સર્જતી રહી છે, ત્યારે વૈશ્વિક તણાવની પરિસ્થિતિ વચ્ચે ભારતે
અમેરિકા અને ચીનને ઝટકો આપવાની વ્યૂહરચના આગળ વધારી છે. એક તરફ ભારત અને યુરોપીય સંઘ
(ઈયુ) વચ્ચે આવતા સપ્તાહે સંરક્ષણની મોટી સમજૂતી થવા જઈ રહી છે અને તેની સાથે જ મુક્ત
વેપાર કરાર (એફટીએ)ની વાતચીત પણ અંતિમ તબક્કામા પહોંચી ગઈ છે. અને ખાસ વાત એ છે કે,
ઈયુ સાથેના એફટીએમાંથી કૃષિ અને ડેરી ક્ષેત્રને બાદ રાખવામાં આવશે. બીજી
તરફ યુએઈ સાથે પણ એક રણનીતિક સંરક્ષણ કરારના ઈરાદાપત્રની આપ-લે કરાઈ છે અને 2032 સુધી દ્વિપક્ષી વ્યાપાર 200 અબજ ડોલર સુધી પહોંચાડવાનો
પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ભારત અને યુએઈની સમજૂતીથી પાકિસ્તાન રઘવાયું બની ગયું
છે અને પાકના વિદેશ મંત્રી ઈસાક ડાર પણ દુબઈ પહોંચી ગયા છે અને વરિષ્ઠ અધિકારીઓ સાથે
ચર્ચામાં જોડાયા છે. ભારત અને ઇયુ વચ્ચે રહેલા મુક્ત વેપાર કરારથી તેની જાહેરાત
27 જાન્યુઆરીના ભારત ઇયુ સમિટ
દરમ્યાન થઇ શકે છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને તેને સૌથી મોટો
સોદો ગણાવ્યો છે એવો કરાર જે લગભગ બે અબજ લોકો અને વૈશ્વિક જીડીપીના એક ચતુર્થાશ ભાગને
આવરી લે છે. આ એફટીએ મુખ્યત્વે માલ, સેવાઓ અને વેપાર નિયમોને આવરી લેશે. ઇયુ કાઉન્સિલ દ્વારા મંજૂરી અને યુરોપિયન
સંસદ દ્વારા બહાલી પછી આ કરાર અમલમાં આવશે,
જેમાં એક વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે. ઇયુ સાથેના એફટીએમાંથી કૃષિ
અને ડેરી ક્ષેત્રને પણ બાકાત રાખવામાં આવશે. એફટીએ હેઠળ ઇયુ માંગ કરે છે કે,
95 ટકાથી વધુ માલ પર ટેરિફ દૂર
કરવામાં આવે, જ્યારે ભારત આને લગભગ 90 ટકા સુધી મર્યાદિત કરવા માંગે
છે. જો કે, એફટીએ સોદા સાથે ભારતની
નિકાસ ઝડપથી વધશે. સેવા ક્ષેત્રથી લઇને ઉત્પાદન સુધી, યુરોપમાં
નિકાસ થતાં ભારતીય માલની સંખ્યામાં વધારો થશે. યુરોપ 450 મિલિયનથી વધુ લોકોનું ઘર છે
અને 20 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા
સાથે વિશ્વનું સૌથી મોટું બજાર છે. એફટીએ ભારતને આ વિશાળ બજારમાં ઓછા અથવા કોઇ કરવેરા
વિના પ્રવેશ પ્રદાન કરશે. એવો અંદાજ છે કે, આ સોદા પછી ઇયુ સાથે ભારતનો વેપાર 136 અબજ ડોલરથી વધીને 200થી 250 અબજ ડોલર
થઇ શકે છે. અહેવાલો અનુસાર, યુરોપ અમેરિકા
પરની તેની નિર્ભરતા ઘટાડવા માટે ભારતીય શત્રો તરફ જોઇ રહ્યું છે અને આનાથી ભારતમાંથી
શત્રોના પુરવઠામાં વધારી થઇ શકે છે. વધુમાં, કાપડ, તૈયાર વત્રો, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, ચામડું, ફૂટવેર, રત્નો અને ઘરેણા
આઇટી અને સેવા ક્ષેત્રના માલની નિકાસ ઝડપથી વધવાની અપેક્ષા છે. ઇયુ સાથેના આ સોદાથી
ચીન પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે. ભારત લાંબા સમયથી ચીનના વિકલ્પો શોધી રહ્યું છે.
યુરોપ ભારત માટે વિશ્વનીય સપ્લાય ચેઇન ભાગીદાર
બની શકે છે. આનાથી ઘણી બાબતો માટે ચીન પરની નિર્ભરતા ઓછી થશે. વધુમાં, ઇલેક્ટ્રિક વાહનો, નવીનીકરણીય ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન
માટે નવું ભંડોળ ઉપલબ્ધ થઇ શકે છે. યુરોપ અમેરિકાને નોંધપાત્ર ભંડોળ પૂરું પાડે છે,
પરંતુ અમેરિકા હવે વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર રહ્યું નથી અને વારંવાર
અમેરિકાનાં દબાણને કારણે, યુરોપ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું
છે. આ સંદર્ભમાં, ભારત યુરોપ માટે પોતાનો દાવો કરવા માટે એક મુખ્ય
બજાર બની શકે છે. કારણ કે, ભારતનું અર્થતંત્ર હાલમાં વિશ્વમાં
સૌથી ઝડપથી વિકસતું છે. યુરોપિયન રોકાણથી સ્ટાર્ટઅપ્સને પણ ફાયદો થશે.