• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

પ્રતિબંધિત લક્કી નાળા વિસ્તારમાં પહોંચેલા જમ્મુના શખ્સો પકડાયા

ગાંધીધામ, તા. 24 : સરહદીય એવા કચ્છના લક્કી નાળા વિસ્તારમાં જમ્મુના બે શખ્સ પૂર્વ પરવાનગી વગર ઘૂસી આવતા બંને સામે પોલીસ મથકે ગુનો દર્જ કરાયો હતો. જમ્મુના પૂંચ, અંતોલી મંડીના જાવીદ ઇકબાલ મોહમદ અસરફ શેખ તથા મહોમદ મુસ્તાક હસનદ્દીન રેસી નામના શખ્સો ગત તા. 17-1ના ગાંધીધામ આવ્યા હતા ત્યાંથી માંડવીમાં જુદી -જુદી મસ્જિદોમાં જઇ ફાળો ઉઘરાવ્યો હતો. તા. 18-1ના નલિયા જઇ તા. 19-1ના ત્યાં ફાળો ઉઘરાવ્યો હતો. ત્યારે એસ.ઓ.જી.ના ધ્યાને આવતાં પોતે પ્રતિબંધિત વિસ્તારમાં હોવાથી કલેકટર, નાયબ કલેકટરને પોલીસવડાની પરવાનગી વગર અહીં આવી ન શકે તે અંગે બંનેને વાકેફ કરાયા હતા, છતાં તા. 20-1ના લાલા ગામે, તા. 21-1ના કોઠારા વિસ્તારમાં જઇ જયઅંબે ગેસ્ટ હાઉસમાં રોકાણ કરી આ વિસ્તારોમાં પણ ફાળો ઉઘરાવ્યો હતો. બંનેને કોઠારા પોલીસ મથક, બાદમાં એસ.ઓ.જી. કચેરીએ લઇ જવાયા હતા, ત્યાં પોતે બંને અલગ અલગ ટ્રસ્ટોમાં કામ કરતા હોવાનું, આ ટ્રસ્ટ બાળકોના શિક્ષણની પ્રવૃત્તિ સાથે જોડાયેલ તેના માટે ફાળો ઉઘરાવતા હોવાનું રટણ કર્યું હતું. બંનેની વધુ પૂછપરછ કરાતાં પોતે નલિયાથી વાયોરવાળા રસ્તે લક્કી નાળા વિસ્તારમાં ગયા હતા. તેમજ જાવીદના મોબાઇલમાં પાકિસ્તાની નંબર મળ્યા હતા, જે અંગે તેણે સંતોષકારક જવાબ આપ્યો નહતો. પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસેલા આ શખ્સો ખરેખર કેવા ઇરાદે આવ્યા હતા તે માટે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd