• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

2029 પહેલાં એનડીએનાં રાજ્યોમાં યુસીસી : શાહ

નવી દિલ્હી, તા. 13 : કેન્દ્રની ભાજપ સરકાર બાદ ભાજપ શાસિત રાજ્યોમાં પણ સમાન નાગરિક સંહિતા (યુસીસી)ની તૈયારી છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે રવિવારે સંકેત આપ્યો હતો કે, 2029થી પહેલાં કેસરિયા પક્ષ શાસિત રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરી દેવાશે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી રૂપે દેશભરમાં વિવિધ સેવાકીય પ્ર્રવૃત્તિઓ સાથે એક મહિના સુધી  સેવા અભિયાન છેડાશે, તેવું પણ ગૃહમંત્રીએ જણાવ્યું હતું. ત્રણ તલાક ખતમ કરીને મુસ્લિમ મહિલાઓને સમાન અધિકાર અપાયા છે. અમે અનેક રાજ્યોમાં યુસીસી લાગુ કરી છે. ભાજપ અને એનડીએ શાસિત 21 રાજ્યમાં 2029થી પહેલાં સમાન નાગરિકસંહિતા લાગુ કરી દેવાશે, તેવો વિશ્વાસ શાહે વ્યક્ત કર્યો હતો. ભાજપ તેના સહયોગી પક્ષો, સમગ્ર એનડીએ જોડાણ અને સ્વયંસેવક સંસ્થાઓ સંગઠનો અને દેશની જનતા સાથે મળીને મોદીના જન્મદિવસે 17મી સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી દેશભરમાં `સેવા સંકલ્પ અભિયાન' ચલાવશે. દેશના લોકોની પણ તેમાં સક્રિય ભાગીદારી હોય તેવું આયોજન કરાયું છે. અભિયાન મારફતે સેવાને કેન્દ્રમાં રાખીને લોકો સુધી પહોંચવાની યોજના છે. સેવા સંકલ્પ અભિયાન સાથે દેશના દરેક વિસ્તારોમાં પ્રશાસનને પણ જોડવાની યોજના છે, માત્ર દેશનાં મોટાં શહેરો સુધી જ સીમિત નહીં રહેતું આ અભિયાન દેશના છેવાડાના ભાગો સુધી છેડાશે. ગૃહમંત્રી શાહે મુંબઇમાં બાવનમાં ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડસ સમારોહમાં આવી જાણકારીઓ આપી હતી. પહેલાં કોણ વિચારી શકતું હતું કે, આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના વડાપ્રધાન પાકિસ્તાનની સીમામાં ઘૂસીને મારશે, તેવું તેમણે કહ્યું હતું. મુંબઇમાં ભાજપના સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાયા પછી પત્રકાર પરિષદને સંબોધતાં શાહે જણાવ્યું હતું કે, દુનિયા આજે ભારતની દરેક વાત સાંભળે છે. છેલ્લા 12 વર્ષમાં ભારતનાં વૈશ્વિક કદમાં ઘણો વધારો થયો છે. આજે દુનિયાનો કોઇ પણ મુદ્દો હોય, ભારતના વડાપ્રધાનના મતને મહત્ત્વ અપાય છે, તેવું ગૃહપ્રધાને જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd