ભુજ, તા. 13 : કચ્છ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ
બેંકના ઓડિટોરિયમમાં ભારતીય રિઝર્વ બેંક અમદાવાદ પ્રાદેશિક કાર્યાલયના અધિકારીઓની ટીમ
દ્વારા બેંકર્સ માટે નકલી ચલણી નોટોની ઓળખ દેખરેખ અને રિપોર્ટિંગ વિષય પર બે દિવસીય
તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા બે તબકકામાં 10 અને 12 સપ્ટેમ્બરના યોજાઇ હતી, જેમાં જિલ્લાની વિવિધ જાહેર, ખાનગી અને સહકારી બેંકોના 175થી વધુ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ભાગ લીધો હતો. ભારતીય રિઝર્વ
બેંક દ્વારા ખાસ કરીને સરહદી વિસ્તારોમાં બેંકિંગ તંત્રની આંતરિક સુરક્ષા અને દેખરેખ
વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવા માટે આપવામાં આવેલા નિર્દેશો હેઠળ આ કાર્યશાળાનું આયોજન
કરાયું હતું. સત્રની શરૂઆતમાં કેડીસીસી બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી તુષાર પટ્ટણીએ
નકલી નોટોના આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા જોખમોનો ઉલ્લેખ કરતાં નકલી
ચલણની સાચી ઓળખ, કાયદેસર જપ્તી અને તાત્કાલિક
રિપોર્ટિંગના મહત્ત્વ પર ભાર મૂકયો હતો. તેમણે જણાવ્યું કે સરહદી જિલ્લાઓમાં બેંક કર્મચારીઓની
સજાગ નજર અને સતર્કતા જ નાણાકીય પ્રણાલીની સૌથી મજબૂત રક્ષણાત્મક હરોળ છે. મુખ્ય વક્તા
આરબીઆઇના મેનેજર શ્રવણ ગૌડ અને તેમની ટીમે બેંકર્સને ભારતીય ચલણી નોટોના આધુનિક સુરક્ષા
માપદંડો અંગેની વ્યવહારુ માહિતી આપી હતી. તેમણે વોટરમાર્ક, સિકયોરિટી
થ્રેડ, માઇક્રો-લેટરિંગ અને કલર શિફિટંગ ઇંક જેવા મહત્ત્વપૂર્ણ
તત્ત્વો દ્વારા અસલી -નકલી નોટો વચ્ચેનો તફાવત ઓળખવાની પદ્ધતિઓ સમજાવી હતી. આ સાથે
જ શાખા સ્તરે ગ્રાહકોની સુવિધા માટે ખરાબ, ગંદી અને ફાટેલી-તૂટેલી
નોટો બદલવા સંબંધી આરબીઆઇના `નોટ રિફંડ નિયમો' પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યશાળાના અંતિમ સત્રમાં બેંકર્સે
કામગીરી દરમ્યાન આવતી વ્યવહારુ મુશ્કેલીઓ અને ટેકનિકલ પ્રશ્નો રજૂ કર્યા હતા,
જેનું આરબીઆઇની ટીમે નિરાકરણ કર્યું હતું.