નવી દિલ્હી, તા.13 : બ્રિક્સ શિખર
સંમેલન દ્વારા ભારતની કૂટનીતિ સફળ થતી દેખાઈ રહી છે. પરિષદનાં આરંભે વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે, સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યુએનએસસી)માં હવે સુધારા ટાળી શકાય તેમ નથી.
નિશ્ચિત સમયમાં નક્કર પરિણામો સાથે તેને જોડવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સ્પષ્ટ
મતને યુનોનાં મહાસચિવનાં પ્રવક્તા સ્ટીફન દુજારિકે સમર્થન આપ્યું છે. તેમનું કહેવું
છે કે, યુનોની સુરક્ષા પરિષદ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં
સુધારાની બુનિયાદી આવશ્યકતા છે. યુનો મહાસચિવ એંટોનિયો ગુટેરેસનાં મુખ્ય પ્રવક્તા સ્ટીફન
દુજારિકે પત્રકારો સાથે વાતચીત કરતાં વડાપ્રધાન મોદીનાં નિવેદન સાથે સહમતી વ્યક્ત કરી
હતી. તેમનું માનવું પણ એવું છે કે, સુરક્ષા પરિષદની વર્તમાન સંરચના
આજની ભૂમિગત હકીકત સાથે મેળ નથી ખાતી. સુરક્ષા પરિષદનું માળખું 1945ની દુનિયાને દર્શાવે છે, આજની વાસ્તવિકતાને નહીં. હવે તેને વધુ પ્રતિનિધિત્વવાળી
સંસ્થા બનાવવાની આવશ્યકતા છે. જેમાં વિકસતા દેશો અને ખાસ કરીને આફિક્રી અવાજને પણ યોગ્ય
સ્થાન મળવું જોઈએ.