નખત્રાણા, તા. 13 : પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં પશુપાલન માટે ઘાસચારા
અને પાણીની પરિસ્થિતિ વિકટ બનતાં સ્થાનિકથી લઇને મુખ્યમંત્રી સુધી ગંભીરતાથી ઉકેલ લાવવાની
પશ્ચિમ કચ્છ માલધારી સંગઠન દ્વારા રજૂઆત કરાઇ છે. છેલ્લા દાયકામાં 2018ના અછતના વર્ષને બાદ કરતાં
સારો વરસાદ થવાથી તેમજ દૂધ ઉત્પાદન તથા માર્કેટિંગ માટે તંત્ર દ્વારા ઊભી કરાયેલી નાણાકીય
સવલતોના કારણે અગાઉની સ્થિતિએ વર્તમાન સમયે દૂધાળા ઢોરની સંખ્યા બેથી ત્રણ ગણી વધી
ગઇ છે. સીમાડામાં ઘાસચારા અને પાણીની અઝતના કારણે પશુ નિભાવ મુશ્કેલ બન્યું છે. માલધારી
સંગઠન દ્વસારા રવિવારે મોટી સંખ્યામાં એકત્ર થઇને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સમક્ષ
સમસ્યા નિવારવા સરકાર સમક્ષ રજૂઆત કરતાં તેમણે ખાતરી આપી હતી. પત્રમાં ગૌશાળા-પાંજરાપોળમાં
ગાય-ભેંસોને નિભાવવા મળતી સબસિડીની સહાય જેમાં ઘોટાં-બકરાં, ઊંટ જેવા પશુઓને પણ સહાય મળવા, ઢોરોને બચાવવા સ્થળતાંતર કરવા, માલધારીઓ પોતાના ખર્ચે
વાહનોથી અથવા પગપાળા ગતા હોય તેમણે સરકારી જમીનમાં નિયમસર ચરિયાણ કરવામાં આવે અને રસ્તામાં
કોઇ અટકાયત ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા, રસ્તામાં કોઇ
ઢોર બીમાર પડે જે તે સમયે સારવાર માટે સને 1962 મુજબ પશુ આરોગ્ય સેવા, એમ્બ્યુલન્સ, દવા સારવાર પશુ ચિકિત્સક દ્વારા ઉપલબ્ધ
કરવામાં આવે. ઘેટાં-બકરાંના વેચાણથી જીવનનિર્વાહ ચાલતું હોવાના કારણે તેની હેરફેર તથા
વેચાણમાં કોઇ અવરોધ ન થાય તેની પ્રક્રિયા સરળ બનાવવા, સરકારી
વિસ્તારની હદમાં પશુઓ માટે ચરિયાણ માટે છૂટ અપાવા માંગ કરી હતી. લેખિતપત્ર જિલ્લાના
તમામ ધારાસભ્યો સંબંધિત કેબિનેટ મંત્રીઓ, સત્તાધીશ પાર્ટીના હોદ્દેદારો
તથા કચ્છ કલેક્ટરને પાઠવવામાં આવ્યા છે. આ તકે માલધારી આગેવાનો લાખા ભોપા, માડા ભોપા, કરણભાઇ રબારી (સરપંચ ઉગેડી), વિરમ રબારી, મમુભાઇ રબારી, રાજાભાઇ
રબારી સહિત પ. કચ્છના માલધારી સંગઠનના 50 જેટલા માલધારી પશુપાલકો જોડાયા હતા.