ભુજ, તા. 13 : તાલુકાના નારણપર (રાવરી)ના
મિકેનિકે વીમા પોલીસી અધવચ્ચે ભરવાની બંધ કરતાં ભરાયેલા પ્ર્રીમિયમની રકમમાંથી અડધી
રકમ પરત મળી હતી અને બાકીની અડધી રકમ રૂા. 37,750 પરત મળી જશે તેવો ઠગબાજોએ વિશ્વાસ અપાવી રૂા. 8,77,913ની ઓનલાઇન છેતરપિંડી કરી હતી.
આ અંગે આજે માનકૂવા પોલીસ મથકે, નારાણપર
(રાવરી)માં રહેતા અને લક્ષ્મી ગેરેજ ચલાવતા મનજી હરજી કેરાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ
તેણે વર્ષ 2014માં મેકસ
લાઇફ ઇન્સ્યોરન્શ કંપનીની 20 વર્ષની મુદતની
વીમા પોલીસી લીધી હતી. જેનું પ્ર્રીમિયમ ત્રણ વર્ષ સુધી ભર્યું હતું. આ બાદ આર્થિક
પરિસ્થિતિ બરાબર ન હોવાથી તેણે પ્રીમિયમ ભરવાનું બંધ કરી આ પોલીસી બંધ કરાવી દીધી હતી.
ત્રણ વર્ષનું રૂા. 72,750 પ્રીમિયમ
ભર્યું હતું. જેમાંથી તેમને રૂા. 35000 પરત મળ્યા હતા અને રૂા. 37,750 પરત મળ્યા નહીં. ગત તા. 6-10-25ના ફરિયાદીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને પોતાનું નામ અર્પિતા
શર્મા બતાવી તેમની જૂની પોલિસીના ભરેલા પ્રીમિયમની બાકી નીકળતી રકમ વ્યાજ સહિત મળવાપાત્ર
હોવાનું જણાવી જરૂરી કાર્યવાહી અંગે પૂછતાં ફરિયાદીએ હા પાડી હતી. આ બાદ આ કાર્યવાહી
અંગે જગદીશસિંઘ ઠાકુરનો ફોન આવ્યો હતો અને અર્પિતાએ જે વાત કરી હતી તે મુજબની વાત કરી
જણાવ્યું કે, આ રકમ મેળવવા તમારે અમુક
રકમ અગાઉથી જમા કરાવવી પડશે અને તે મુજબ રકમ
જમા કરાવશો તો વ્યાજ સહિત મોટી પોલીલિની રકમ મળશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. આથી ફરિયાદીએ
તેમના ઉપર વિશ્વાસ રાખી તેઓના કહ્યા મુજબ તા.
6-10-25થી 30-10-25 દરમ્યાન પોતાના તેમજ તેમના
પરિચિત અને સંબંધીઓના ખાતાંમાંથી અલગ અલગ સમયે કુલ્લે રૂા. 8,77,913 બેન્ક ખાતાંઓમાં ટ્રાન્સફર
કરાવ્યા હતા, પરંતુ તેઓના કહેવા મુજબ
મોટી રકમના નાણાં પરત ન આપી આરોપી અર્પિતા, જગદીશસિંઘ અને દિનેશ યાદવે યોગ્ય જવાબ ન આપતાં હોવાથી ફરિયાદીએ
પોલીસ ફરિયાદ કરવાનું જણાવતાં તેઓએ તેમના મોબાઇલ નંબર બંધ કરી દીધા હતા. અવારનવાર સંપર્ક
કરવા છતાં કોઇ ફોન લાગ્યો ન હતો. આમ ફરિયાદીએ ત્રણ નામજોગ તથા પાંચ બેન્ક ખાતાધારક
વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.