• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

કચ્છમાં ચિત્તા-ઘોરાડ નિહાળવા વૈશ્વિક પર્યટકો આવશે

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 13 : કચ્છની બે દિવસની મુલાકાતે આવેલા ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પત્રકારોને માહિતી આપ્યા બાદ `કચ્છમિત્ર' સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, વન અને પ્રવાસન વિભાગના સંયુક્ત સહકારથી કચ્છમાં ઈકો ટૂરિઝમ ક્ષેત્રમાં નવા આયામ શરૂ થવાના છે, જેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આવનારા ટૂંક સમયમા બન્નીના ચિત્તા સેન્ટરમાં ચિત્તા ખુલ્લા મૂકવામાં આવશે, બે દિવસની મેરેથોન મુલાકાતમાં આજે ભુજમાં સેમિનાર વગેરે કર્યા બાદ કાલે સવારે નલિયા જશે. કચ્છમાં વાઈલ્ડ લાઈફ અને વન સંરક્ષણ ક્ષેત્રે મોટી તકો હોવાથી અત્યાર સુધી વિવિધ ક્ષેત્રોમાં અનેક પ્રકારની  કામગીરી કરવામાં આવી છે. થોડા સમય પહેલાં મધ્યપ્રદેશના ઉનો જંગલમાં વડાપ્રધાનના હસ્તે ચિત્તા જે વિદેશથી લઈ આવવામાં આવ્યા હતા તે છૂટા મુકાયા હતા. મધ્યપ્રદેશમાં મળેલી સફળતા બાદ વડાપ્રધાને કચ્છના બન્ની વિસ્તાર પર પસંદગી ઉતારી છે અને બન્નીના ગ્રાસલેન્ડમાં ચિત્તા સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને સ્થાનિક ગુજરાત અને કચ્છમાં વન અધિકારીઓ પાસેથી વિગતો મેળવી છે અને સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે એમ જણાવતાં શ્રી યાદવે વાતચીતમાં કહ્યું કે, ટૂંક સમયમાં ચિત્તા લાવવામાં આવશે અને બન્નીમાં છોડવામાં આવશે. આ પ્રકારના વાઇલ્ડ લાઈવ પ્રવાસન ક્ષેત્રે સફળતા મળશે. કચ્છમાં ધોરડો તરફ જતા પર્યટકોને વધુ એક ચિત્તા નિહાળવાની સાઇટ જોવા મળશે. - ઘોરાડમાં સફળતા : ચિત્તા આવે એ પહેલાં રાજસ્થાનથી ઘોરાડનું બાળ સ્વરૂપ લઇ આવવામાં આવતાં હવે તેમાં સફળતા મળી છે અને બાળ ઘોરાડ હવે ઊડવા લાગ્યું છે કેમ કે ભારત નહીં વિશ્વમાં લુપ્ત પ્રજાતિ ઘોરાડ છે. આ દુનિયાનાં વજનદાર પક્ષીઓની સંખ્યા ભારતમાં વધે તો આ પણ એક ભારતને મોટી ભેટ મળી સમાન છે. ઘોરાડ નિહાળવા દુનિયાના પ્રવાસીઓ ઊમટી પડશે એ દિવસો તરફ વન વિભાગ કામ કરે છે. અમે કાલે ઘોરાડ અભયારણ્ય નિહાળવા જશું અને ઘોરાડ બીડિંગ સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવશે તેવી માહિતી પણ કેન્દ્રીય વન મંત્રીએ આપી હતી. આવનારા દિવસોમાં રાજસ્થાનથી નાના-નાના ઘોરાડ પક્ષીઓ કે ઇંડાં લઇ આવવાની યોજના છે જે ઘોરાડ અભયારણ્યમાં મૂકવામાં આવશે, જેને જમ્બ બ્લાર્ડ યોજનાનું નામ આપવામાં આવ્યું છે. - મિસ્ટી યોજના : દરિયાઇ સ્તર અને દરિયાઇ વાવાઝોડાને રોકવા મિસ્ટી યોજના હેઠળ કચ્છના વિશાળ સમુદ્રકાંઠા ઉપર ચેરિયાના વન લહેરાવવાની યોજના છે. ચેરિયા વિકસાવવાની આખા દેશમાં કચ્છમાં વિશાળ તકો રહેલી છે. છેક સમુદ્રી વિસ્તારની વચ્ચે ચેરિયા સંવર્ધન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. - ગાંડા બાવળનો ખતરો : વનમંત્રીએ એક વાતનો સ્વીકાર કર્યો હતો કે કચ્છ અને સમગ્ર ગુજરાતમાં ગાંડા બાવળનો ફેલાવો વધી ગયો છે જે પર્યાવરણ માટે એક પ્રકારે ખતરો છે. અમે તેને રોકવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. કેમ કે ગાંડા બાવળના કારણે વન-રક્ષણના કામોમાં બાધા આવે છે. જમીનો ખરાબ થાય છે. વન્ય જીવસૃષ્ટિને પણ પરેશાન કરે છે. આ એક પ્રકારે તેમણે ગંભીર બાબત ગણાવી હતી. - મહાનુભવો સાથે રહ્યા : કેન્દ્રીય મંત્રીના આગમન સમયે તેમની સાથે રાજ્યના વનમંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા, કચ્છીમંત્રી ત્રિકમભાઇ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે, પક્ષ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, મહામંત્રીઓ હિતેષ ખંડોલ, ભીમજી જોધાણી, શ્રવણસિંહ વાઘેલા, દીપક ડાંગર વગેરે સાથે રહ્યા હતા. ઉપરાંત જિલ્લાના વન અધિકારી ડો. ધીરજ મિત્તલ, ડી.એફ.ઓ. હર્ષ ઠક્કર, જયંત પટેલ, નેવીલ ચૌધરી, આયુષ વર્મા વગેરે અધિકારીઓ વ્યવસ્થામાં રહ્યા હતા. દરમ્યસાન વનમંત્રી આજે સાંજે ભુજ પહોંચ્યા બાદ સેમિનાર યોજાયો હતો. કાલે સોમવારે સવારે 7.30 વાગ્યે નલિયામાં ઘોરાડ અભયારણ્યનું નિરીક્ષણ કરી સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd