નવી દિલ્હી, તા. 13 : બ્રિક્સ શિખર
સંમેલન દરમ્યાન જારી થયેલાં નવી દિલ્હી ઘોષણાપત્ર પર વિશ્વભરનાં મીડિયાએ પ્રશંસાના
શબ્દો સાથે અહેવાલો આપ્યા છે. રોયટર્સના અહેવાલમાં આ શિખર સંમેલનને ભારતની મોટી કૂટનીતિક
સફળતા લેખાવાઇ હતી. અહેવાલો અનુસાર, ભારતે ઇરાન, સાઉદી અરેબિયા, યુએઇ,
ચીન અને રશિયા જેવા અલગ-અલગ દૃષ્ટિકોણવાળા દેશોને એક સંયુક્ત ઘોષણાપત્ર
પર સહમત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. ફાઇનાન્સિયલ ટાઇમ્સનો અહેવાલ નોંધે છે કે,
ચીન બ્રિક્સને વૈશ્વિક તાકાત તરીકે ઉપસાવવા માગે છે, જ્યારે ભારત તેને અમેરિકા વિરોધી સમૂહનાં સ્થાને વિકાસશીલ દેશોના સહયોગ મંચનાં
રૂપમાં જૂએ છે. પશ્ચિમ એશિયામાં જારી તાણ અને સભ્ય દેશોના અલગ અલગ વલણ વચ્ચે આ બધા
દેશોને સહમત કરવા ભારત માટે મોટો પડકાર હતો. બીજી તરફ, અમેરિકાનાં
ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં શિખર બેઠકને ભારત અને ચીન વચ્ચે વધતાં વર્ચસ્વની સ્પર્ધા
લેખાવાઇ હતી. અહેવાલ અનુસાર, ભારત ઇચ્છે છે કે, બ્રિક્સમાં અલગ વિચારધારા અને હિત રાખતા દેશ પણ સાથે મળીને કામ કરે. ચીનનાં
અખબાર ચાઇમ ડેઇલીનો અહેવાલ નોંધે છે કે, બ્રિક્સ દુનિયામાં શક્તિનું
સંતુલન બદલવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. વિકાસશીલ દેશો હવે દુનિયાના મોટા મુદ્દાઓ
અને ફેંસલાઓમાં પોતાનો અવાજ મજબૂતી સામે રાખી શકશે. ચીનનાં સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના
અહેવાલમાં બ્રિક્સ માત્ર ચીન કે ભારત નહીં, પરંતુ ગ્લોબલ સાઉથ
માટે મોટા સહયોગનો અવસર લેખાવાઇ છે. બ્રિટિશ મીડિયા ધમાર્જિયનના અહેવાલ મુજબ બ્રિક્સ
શિખર બેઠકમાં શી જિનપિંગની હાજરી અને ભારત અને ચીનના સંબંધોમાં સુધારાની શરૂઆત છે.