ગાંધીધામ, તા. 13 : અહીંના લીલાશાહ સર્કલ પાસે
દુકાન, કચેરી ધરાવનાર વેપારીને જમીનના સોદા અને નાણાકીય
લેવડદેવડના વિવાદમાં એક દંપતી સામે પોલીસ મથકે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઇ છે.
આ દંપતી દ્વારા વેપારી તથા તેમના ધારાશાત્રી પાસે રૂા. 1.50 કરોડની ખંડણી માગી ખોટા કેસમાં
ફસાવી દેવાની ધમકી અપાઇ છે.શહેરનાં શક્તિનગરમાં રહેતા તથા અશોક ટ્રેડિંગ નામની દુકાન
થકી આયાત તથા લે -વેચનો વ્યવસાય કરનાર અશોક ધીરામલ મોતિયાણીએ આ બનાવ અંગે પોલીસ મથકે
ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી 2016થી જિતેન્દ્ર
ઉર્ફે જીતુ શંકર વઝીરાણીને તથા તેના પત્ની દીપા વઝીરાણીને ઓળખે છે. આ આરોપી જિતેન્દ્રની
મુંદરાના હઝી ખાતે પ્લોટ હોવાથી તે પ્લોટ તેને વેચાણ કરવાના હોવાથી ફરિયાદીને તે ગમ્યા
હતા અને રૂા. 30 લાખમાં સોદો નક્કી થયો હતો.
જે અંગે ફરિયાદીએ રોકડ તથા બેંક મારફતે રકમ આપી દીધી હતી. આરોપીએ પ્લોટના અસલ કાગળ
ફરિયાદીને આપી દીધા હતા. બાદમાં વારંવાર દસ્તાવેજ કરી આપવાનું કહેતાં આરોપી વધુ રકમની
માંગ કરતો હતો. બાદમાં આરોપીને પૈસાની જરૂરિયાત
થતાં ફરિયાદીએ હાથ ઉછીના પૈસા તને આપ્યા હતા. જેની અવેજીમાં સાત ચેક ફરિયાદીને આપ્યા
હતા. બાદમાં ફરિયાદીએ હાથ ઉછીના પૈસા પરત માગતાં તે ન આપતા બેંકમાં ચેક નાખતાં તે પરત
થયા હતા. દરમ્યાન ફરિયાદીએ આ અંગે કેસ કરવા નોટરી એડવોકેટ સપના દાદલાણી પાસે આ ચેકો
ઉપર નોટરી લખાણ કરાવ્યા હતા પછી ગાંધીધામ કોર્ટમાં કેસ કર્યો હતો. જે હાલમાં ચાલુ છે.
આ શખ્સ અન્ય કોઇને પ્લોટ વેચવાની ફિરાકમાં હોવાનું ફરિયાદીના ધ્યાને આવતાં તેમણે મુંદરા
કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે પણ ચાલુમાં છે. બાદમાં આરોપીએ ફરિયાદી તથા નોટરી
એડવોકેટ વિરુદ્ધ પોતાના ન્યૂઝમાં ખોટું છાપે છે અને ફરિયાદી તથા નોટરી એડવોકેટ રૂા. 1.50 કરોડની માગણી કરે છે. બે મહિના
અગાઉ ફરિયાદીના ભાઇ અનિલને આ આરોપી જિતેન્દ્રએ ફોન કરી નેગોશીએબલના કેસમાં સેટલ કરવા
તથા ફરિયાદી એક કરોડ અને નોટરી એડવોકેટ 50 લાખ આપો નહીં તો અંદર નખાવી દઇશ, તમારા અને સપનાબેનના જમીનોના કાગળ મારી પાસે
પડયા છે. ખોટા જમીનના દસ્તાવેજ બનાવવાની ફરિયાદ કરીશ. એન્ટિ કરપ્શન બ્યૂરોમાં અરજી
કરી જેલ હવાલે કરાવીશ તેવી ધમકી આપી હોવાનું
પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું. આ ફરિયાદના આધારે આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.