• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

બ્રિક્સ સંમેલનનું સંમતિ ઘોષણાપત્ર ભારતની સફળતા

બ્રિક્સ શિખર સંમેલનમાં ભારે મતભેદ ધરાવતા સભ્ય દેશો વચ્ચે ઘોષણાપત્રના મામલે સંમતિ સધાવીને ભારતે પોતાની રાજદ્વારી કુનેહનો પરચો દુનિયાને કરાવી આપ્યો છે. અલગ-અલગ મુદ્દે ભિન્ન-ભિન્ન હિત ધરાવતા દેશોએ વેપારી સંબંધો, ઊર્જા સહયોગ, ટેક્નોલોજીની આપ-લે, આર્થિક સહકાર, આતંકવાદ અને પશ્ચિમ એશિયાના સંઘર્ષ સહિતના મુદ્દાને આવરી લેતા આ ઘોષણાપત્રમાં સંમતિનો સૂર ભારે મહત્ત્વની ઉપલબ્ધિ છે. ભારતે આ ઘોષણાપત્ર માટે સંમતિ સધાય તે માટે ભારે મહેનત કરી હતી. મોડી રાત સુધી લાંબી અને ઊંડાણપૂર્વકની વાટાઘાટોના અંતે આ સફળતા હાંસલ થઈ હતી. આમાં ખાસ તો 202પના પહેલગામના આતંકી હુમલાની ટીકા કરાઈ હતી. સાથોસાથ આતંકવાદના તમામ કૃત્યોની સામે સમાન વલણની કટિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી.  ખાસ તો બ્રિક્સ  દેશોએ ત્રાસવાદ વિરોધી કાર્યજૂથ અને તેના પાંચ પેટા જૂથની રચનનાં પગલાંને પણ આ ઘોષણાપત્રમાં આવકાર અપાયો હતો. સીમાપારના આતંકવાદ અને ટેરર ફંડિંગ જેવા પડકારોના સામના માટે પણ દેશોએ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ વખતે બ્રિક્સમાં પશ્ચિમ એશિયાના ત્રણ દેશ ઈરાન, સાઉદી અરેબિયા અને યુએઈ પણ સામેલ હતા.  સ્વાભાવિક રીતે આ દેશો વચ્ચે સંમતિનો સૂર ઊભો કરવો એ ભારે પડકારભર્યું હતું. વળી મહત્ત્વની બાબત એ હતી કે, ઈરાન અને યુએઈના પ્રતિનિધિઓએ આ સંમેલનમાં એકમેક સાથે વાત કરી હતી.  આમ પણ ભારતે બ્રિક્સ ઉપરાંત જી-20, ક્વાડ અને એસસીઓ જેવા સંગઠનોમાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. આવામાં સ્વાભાવિક રીતે જ દુનિયાની નજર આ સંમેલન પર હતી. ભારત આ પ્રભાવ અને સંબંધોના આધારે સંમેલનમાં સભ્યો દેશો વચ્ચે મતભેદો કોરાણે મૂકવામાં સમજાવી શક્યું હતું. આજે જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવી સર્વોચ્ચ વૈશ્વિક સંસ્થા જ્યારે વિફળ થઈ રહી છે, ત્યારે આવા નાના અને પ્રભાવશાળી સંગઠનો દુનિયાની સામેના પડકારોના ઉકેલ માટે  ચાવીરૂપ બની રહ્યા છે. બ્રિક્સ સંમેલનની મુશ્કેલ સંમતિ અને ઘોષણાપત્ર બાદ હવે સભ્ય અને સહયોગી દેશોએ સમજી લેવાની ખાસ જરૂરત રહેશે કે, પરસ્પરની આ સંમતિ માત્ર કાગળ પૂરતી મર્યાદિત રહી જાય નહીં. આ ઘોષણાપત્રમાં સામેલ ઈરાન, સાઉદી અરેબિયા અને યુએઈ ઉપરાંત ચીને પણ સંમતિના મુદ્દા પર ગંભીરતા સાથે ધ્યાન આપવાની ખાસ જરૂરત રહેશે. આ સંમતિમાં આતંકવાદના મામલે બેવડાં ધોરણ અપનાવવાની વાતનો પણ ઉલ્લેખ છે. ચીને તેની આ પ્રકૃતિને હવે છોડવી પડશે. વળી રશિયાએ પણ દેશ-દેશની અખંડિતતાને માન આપવાના ઘોષણાપત્રના મુદ્દા પર પણ ધ્યાન આપવું જોઈશે.  બ્રિક્સ દેશોએ હવે દુનિયાને બતાવી આપવું પડશે કે માત્ર ઘોષણાપત્ર પર સંમતિ સાધીને સંતોષ વ્યક્ત કરવાને બદલે તેને અનુરૂપ પગલાં લેવા માટે પણ કટિબદ્ધતા બતાવવી આપવા તેઓ સંકલ્પબદ્ધ છે. ભારતે આ અગાઉ જી-20 શિખર સંમેલનમાં પણ તમામ દેશો વચ્ચે સંમતિ ઊભી કરવામાં સફળતા મેળવી હતી. તે સમયે યુક્રેનના જંગને લીધે અમેરિકા અને યુરોપના દેશો આકરું વલણ લઈ રહ્યા હતા.  સરવાળે ભારતે બ્રિક્સ દેશોના આ સંમેલન દ્વારા દુનિયાને પોતાની  રાજદ્વારી કુનેહનો પરચો કરાવી દીધો છે. બ્રિક્સનાં સમાપન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેજિલિયન્સ, ઇનોવેશન, કો-ઓપરેશન અને સસ્ટેનેબિલિટી પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, સહિયારા પ્રયાસોને વિન-વિન સહયોગમાં બદલવા જરૂરી છે. તેમણે સંક્રામક બીમારીની રોકથામ, લોજિસ્ટિક સપ્લાય ચેઈનને વધુ ભરોસાપાત્ર બનાવવા અને એ.આઇ.થી ખેતી સુધી ટેકનિકના ઉપયોગ, જિયો સ્પેશિયલ ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચરને ખેડૂતોની વાસ્તવિક સમસ્યા સાથે જોડવા આગ્રહ કર્યો હતો. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે બ્રિક્સના દેશો વચ્ચે એ.આઇ.માં સહયોગ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે વેપાર અને રોકાણને આસાન બનાવવા સૂચન કર્યું હતું. એ માટે સ્માર્ટ પોર્ટલની વાત કરી હતી. શી જિનપિંગે બ્રિક્સના દેશો વચ્ચે ક્લાઉડ પ્લેટફોર્મ સ્થાપિત કરવા અને ડિજિટલ પ્રશિક્ષણ, ટેકનિકલ આદાન-પ્રદાન અને ઉદ્યોગો વચ્ચે સંપર્ક વધારવા પર ભાર મૂક્યો હતો. ચીની રાષ્ટ્રપતિએ બ્રિક્સના દેશોમાં સ્માર્ટ ફેક્ટરી સ્થાપવામાં મદદની દરખાસ્ત કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd