• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

આભને અડતો તબીબી-શિક્ષણ ખર્ચ

ભારતમાં વસ્તીની સામે તબીબોની સંખ્યાનો ગુણોત્તર નબળો છે, પણ મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં 350 લોકો સામે એક ડોક્ટર છે, જે દર એક હજાર વ્યક્તિએ એકદીઠ એક તબીબનાં આંતરરાષ્ટ્રીય ધોરણ કરતાં પણ ખાસ્સો વધુ છે. આમ છતાં, મહારાષ્ટ્રમાં તબીબી શિક્ષણનો ખર્ચ ખાસ્સો ઊંચો છે, આશ્ચર્યની વાત એ કે, આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક દેશોમાં આ ખર્ચ જેટલો થાય છે એની સરખામણીમાં રાજ્યની ખાનગી કોલેજોમાં તેનું પ્રમાણ તાતિંગ છે. આમ, મહારાષ્ટ્રમાં મેડિકલ એજ્યુક્શનનાં નામ સાથે બે એકમેકથી તદ્દન વિપરિત બાબતો જોડાયેલી છે. આ સંબંધમાં એક સમાચાર નાગપુરથી આવ્યા છે. રાજ્યની પહેલી ખાનગી મેડિકલ યુનિવર્સિટી તરીકે ઓળખાતી એન.કે.પી. સાળવે મેડિકલ કોલેજે એમબીબીએસ અભ્યાસક્રમની ફીમાં ધરખમ 56 ટકાનો વધારો જાહેર કર્યો છે. એટલું જ નહીં, દર વર્ષે આમાં સાડા સાત ટકાનો વધારો કરવાની જોગવાઈ છોગામાં. ટૂંકમાં, આ કોલેજમાંથી એમબીબીએસ કરવાનો કુલ ખર્ચ એક કરોડ રૂપિયાથી વધુ થવાની શક્યતા છે. ખાનગી કોલેજોને પોતાની ફી વધારવા માટે કે ફીનું માળખું બનાવવા કે તેમાં ફેરફાર કરવા માટે ફીઝ રેગ્યુલાટિંગ ઓથોરિટી (એફઆરએ)ની મંજૂરીની આવશ્યકતા હોતી નથી. અહીં મુદ્દો માત્ર તાતિંગ ફીનો નથી, પણ આટલી ફી ભર્યા બાદ ડોક્ટર બનનારાઓ પહેલાં રોકેલી આ રકમ રિકવર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આમ પણ આ પવિત્ર વ્યવસાયને પહેલેથી જ અનેક બદીઓ જળોની જેમ વળગી છે. દેશમાં આમ પણ તબીબી સેવાઓ વધુ ને વધુ મોંઘી થતી જાય છે અને આવામાં ડોક્ટરની સંખ્યા વધુ હોય એનાથી ખાસ લાભ થવાનો નથી, કેમ કે તબીબી સેવાઓ સામાન્ય માણસને પરવડે એવી રહી નથી, વળી સરકારી હોસ્પિટલોનો કારભાર સુધર્યો હોવા છતાં હજી પણ અનેક જગ્યાએ મૂળભૂત આરોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. આવામાં, ગ્રામીણ વિસ્તારોમાં સમયસર સારવાર ન મળવાને કારણે અને શહેરી ક્ષેત્રોમાં હોસ્પિટલોના તાતિંગ ખર્ચને કારણે ગરીબો તબીબી સેવાથી વંચિત રહી જાય છે. તબીબી શિક્ષણમાં ગુણવત્તા જળવાય એ ઉચિત છે, પણ તેનાં પગલે ફીમાં થતા બેફામ વધારાને પગલે આ બાબત સામાન્ય માણસની પહોંચની બહાર થઈ જાય એ સંતુલન બગાડનારી અને ચિંતા વધારનારી વાત છે. શિક્ષણનો પ્રસાર સર્વત્ર થાય એ માટે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને સ્વતંત્રતા અપાઈ છે, પણ તેનું પરિણામ જો તબીબી સેવા વધુ મોંઘી બનવા તરફ જતું હોય, તો સરકારે હસ્તક્ષેપ કરવા રહ્યો. આરોગ્ય સેવાઓ સૌ કોઈ માટે સુલભ થાય એ આખરે તો સરકારની જવાબદારી છે.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd