ભુજ, તા. 13 : યુવા પેઢીમાં સનાતન ધર્મના
મૂલ્યો, સંસ્કાર, આત્મવિશ્વાસ
અને ઉત્તમ જીવનચરિત્રનું ઘડતર થાય તેવા હેતુથી `સત્ય સનાતન ધર્મ' અંતર્ગત ભુજ ખાતે વિદ્યાર્થી દીકરીઓ અને વિદ્યાર્થી
દીકરાઓ માટે બે અલગ-અલગ વિશેષ પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પ્રથમ
કાર્યક્રમ શનિવારે સાંજે કન્યા રત્નધામ, ભુજ ખાતે ખાસ કરીને છાત્રાઓ
માટે યોજાયો હતો. જેમાં આચાર્ય યોગેશજી વૈદિકજીએ `શત્રુ,
ભય અને જીવનબંધન' વિષય પર માર્ગદર્શન આપતા જણાવ્યું
હતું કે, જીવનમાં આવતા ભય અને મુશ્કેલીઓ કરતાં ઘણી વખત આપણા અંતરમાં
રહેલી નકારાત્મક વૃત્તિઓ વધુ મોટો અવરોધ બને છે. ક્રોધ, લોભ,
મોહ, અહંકાર અને ભય પર વિજય મેળવી આત્મવિશ્વાસ
અને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. સનાતન ધર્મના મૂલ્યોને જીવનમાં
ઉતારીને નિર્ભય, સંયમિત અને આત્મવિશ્વાસુ વ્યક્તિત્વનું નિર્માણ
કરવા માર્ગદર્શન આપ્યું હતું. બીજો કાર્યક્રમ રવિવારે સવારે કચ્છી લેવા પટેલ કુમાર
વિદ્યાધામ, ભુજ ખાતે છાત્રોને આચાર્યએ `જીવનનું લક્ષ્ય અને વિદ્યાર્થીઓને સંસ્કાર
તથા જીવનચરિત્ર નિર્માણ' વિષય પર માર્ગદર્શન
આપતાં જણાવ્યું હતું કે, જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવા,
સમયનું મૂલ્ય સમજવા, શિસ્ત અને સદાચાર જાળવવા તેમજ
માતા-પિતા અને ગુરુજનો પ્રત્યે આદરભાવ રાખવા પ્રેરિત કર્યા હતા. બંને કાર્યક્રમમાં
સંસ્થાના પ્રમુખ, ટ્રસ્ટી તથા સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને
પ્રોત્સાહિત કર્યા હતા. સંસ્થાના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસસાથે
સંસ્કારયુક્ત અને જવાબદાર યુવા પેઢીના નિર્માણ માટે આવા જીવનઘડતર કાર્યક્રમોના મહત્ત્વ
પર ભાર મૂકવામાં આવ્યો હતો.