• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

આતંકવાદ મુદ્દે મોદીનો શાહબાઝને કડક સંદેશ

બિશ્કેક, તા. 1 : આતંકવાદને પોષવાનું પાપ કરતાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)નાં શિખર સંમેલનમાં આતંકવાદના સમગ્ર તંત્રને ધ્વસ્ત કરવા પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનની મોજૂદગીમાં આતંકવાદ સામે એકજૂટ થઇને લડવાનું આહવાન કર્યું હતું. આપણે એકસૂરમાં કહેવું પડશે કે, આતંકવાદના મામલામાં બેવડા માપદંડ નહીં ચાલે તેવું મોદી બોલ્યા હતા, ત્યારે પાક વડાપ્રધાન ચુપ બેસી રહ્યા હતા. આતંકવાદ વિરુદ્ધ કડક સંદેશ આપતાં મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, આતંકવાદનો નીતિનાં હથિયાર તરીકે ઉપયોગ કરનારા અને આતંકવાદીઓને આશ્રય, સમર્થન આપનારા દેશોને કડક સંદેશ જવો જોઇએ તેવું ભારતના વડાપ્રધાન બોલ્યા હતા. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં 26મા એસસીઓ શિખર સંમેલનને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે, આતંકવાદ માનવતા માટે એક ગંભીર પડકાર છે. પાક વડાપ્રધાનની મોજૂદગીમાં મોદી બોલ્યા હતા કે, આપણી લડાઈને માત્ર આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી સુધી સીમિત નહીં રાખતાં આતંકવાદને ઉત્તેજન આપતાં આખાં નેટવર્કને ખતમ કરવું જરૂરી છે. આતંકવાદને ભંડોળ (ટેરર ફંડિગ), આતંકવાદીઓની ભરતી, કટ્ટરપંથ તેમજ આતંકીઓ માટેનાં સુરક્ષિત ઠેકાણાંઓનાં સમગ્ર તંત્રને નષ્ટ કરવું પડશે, તેવું એસસીઓ શિખર સંમેલનને સંબોધતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું. મોદીનાં ભાષણમાં સીધી રીતે પાકિસ્તાનની એ નીતિનો ઉલ્લેખ હતો, જેમાં પાક ભારત પર હુમલા માટે આતંકી સંગઠનોને મદદ કરતું રહે છે. આતંકવાદ કોઈની રણનીતિક સંપત્તિ ન હોઈ શકે. આ ગંભીર મુદ્દે તમામ દેશોએ એક અવાજમાં બોલવું જોઈએ કે, આતંકવાદ મુદ્દે કોઈ પણ પ્રકારના બેવડા માપદંડો માટે સ્થાન ન હોવું જોઈએ. શાંતિપૂર્ણ અને સુરક્ષિત યુરેશિયાનું સહિયારું લક્ષ્ય અફઘાનિસ્થાનમાં શાંતિ અને સ્થિરતા સાથે જોડાયેલું છે. ભારત અફઘાનના વિકાસ અને માનવીય સહાયતા માટે યોગદાન આપતું રહેશે તેવું પણ મોદી બોલ્યા હતા. મોદીએ પાયાના ઢાંચાની યોજનામાં સહયોગ એ શરતે હોવો જોઈએ કે બીજાનાં સંપ્રભુ ક્ષેત્રનું સન્માન કરે તેવું પણ કહ્યું હતું. ચીન-પાક આર્થિક કોરિડોર (સીપીઈસી) પીઓકેમાંથી પસાર થાય છે એ જોતાં  આવું કહીને મોદીએ જિનપિંગ - શરીફને સંદેશ આપ્યો હતો.

Panchang

dd