જાલંધર, તા. 28 : પાકિસ્તાનના બલુચિસ્તાનની રાજધાની
કવેટામાં લગભગ 200 વર્ષ જૂનાં ઐતિહાસિક શ્રી ગુરુસિંહ
સભા ગુરુદ્વારાને તોડી પડાતાં શીખ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. હવે એ જગ્યા પર એક
મોલનું નિર્માણ કરાઇ રહ્યું છે. બલુચિસ્તાન ગુરુદ્વારા સિંહસભાના સભ્ય સરદાર જસબીરસિંહે
જણાવ્યું હતું કે, સમગ્ર શીખ
સમાજ તેનો વિરોધ કરે છે. સરકાર કોઇ પગલાં લઇ નથી રહી. પ્રાન્તમાં એક સમયે 12 ગુરુદ્વારા હતા, જ્યારે હવે માત્ર બે જ બચ્યાં છે. ગુરુદ્વારા
તોડી પાડવાનો ભારતમાં પણ ઘણો વિરોધ થઇ રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા આર.પી. સિંહે
કહ્યું હતું કે, પાકિસ્તાનમાં શીખોના વારસાને ખતમ કરવાની કોશિશ
થઇ રહી છે. અકાલ તખ્ત સાહેબે પાકિસ્તાન સરકાર સામે આ મામલો ઊઠાવવો જોઇએ અને તેની સ્વતંત્ર
તપાસ થવી જોઇએ, તેવું કેસરિયા પક્ષના નેતાએ જણાવ્યું હતું. દરમ્યાન
મામલો બલુચિસ્તાન હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ અદાલતે હાલતુરત
મોલનું નિર્માણ રોકવાનો ઇન્કાર કરી દીધો હતો. શીખ સમુદાયે કહ્યું હતું કે, આ જમીન શ્રી ગુરુસિંહ સભાની સંપત્તિ હતી, પરંતુ ઇવેક્યુઈ
ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડે ખાનગી બિલ્ડરને વેચી નાખી હતી.