નવી દિલ્હી, તા. 28 : ભારતે યુદ્ધના
મેદાનમાં પરખવામાં આવેલી અમેરિકી જેવલિન એન્ટી ટેંક મિસાઈલ સિસ્ટમને ખરીદવાની યોજના
બનાવી છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આ જાણકારી આપી હતી. આ પગલું દુશ્મનના
બખ્તરબંધ વાહનોનો સામનો કરવાની ભારતીય સશત્ર દળની ક્ષમતાને વધારે મજબૂત કરી શકે છે.
આ પ્રસ્તાવિત ખરીદી ભારતના શત્રાગારમાં અત્યાધિક મોબાઈલ અને સચોટ પ્રહાર ક્ષમતા ધરાવતા
એન્ટી આર્મર હથિયારને જોડશે. ભારત સરકાર ખરીદીનો નિર્ણય એવા સમયે કરી રહી છે જ્યારે
વોશિંગ્ટન સાથે સંરક્ષણ સહયોગનો સતત વિસ્તાર
કરવામાં આવી રહ્યો છે અને ભારત પોતાની સૈન્ય ક્ષમતામાં વિવિધતા લાવી રહ્યું છે. જેવલિન
એક મેન પોર્ટેબલ અને ખભા પરથી દાગવામાં આવતી એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલ છે. જેને અમેરિકી
રક્ષા કંપની લોકહીડ માર્ટિન અને આરટીએક્સએ વિકસિત કરી છે. આ મિસાઈલ એવી રીતે બનાવવામાં
આવી છે જેનાથી સૈનિકો એન્ટી ટેંક પ્લેટફોર્મની મદદ વિના જ દુશ્મનના બખ્તરબંધ વાહનોને
તબાહ કરી શકશે. મિસાઈલમાં લક્ષ્ય લોક થયા બાદ તેનામાં અચૂક વાર કરવાની ક્ષમતા છે. આ
ઉપરાંત અમુક વિશેષ લક્ષ્યો માટે ડાયરેક્ટ એટેક મોડ પણ ઉપયોગમાં લઈ શકાય છે.