નવી દિલ્હી, તા. 28 : સાઉદી અરેબિયા
અને તુર્કી સાથે સંરક્ષણ ભાગીદારી કર્યા બાદ, હવે પાકિસ્તાને કુવૈત સાથે હાથ મિલાવતાં ભારતની ચિંતા વધશે. ઇસ્લામાબાદ ખાતે
પાકિસ્તાન અને કુવૈત વચ્ચે દ્વિપક્ષીય લશ્કરી સહયોગ વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ સમજૂતી
થઈ છે, જેને સત્તાવાર રીતે `પ્રોટોકોલ એગ્રીમેન્ટ-2026' નામ આપવામાં આવ્યું છે. ઇસ્લામાબાદમાં કુવૈતના સંરક્ષણ મંત્રી શેખ અબ્દુલ્લા
અલી અબ્દુલ્લા અલ-સાલેમ અલ-સબાહ અને પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મુહમ્મદ આસિફે
આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર 5 વર્ષ માટે અમલમાં રહેશે. જે અંતર્ગત બંને દેશોની સેનાઓ સંયુક્ત
લશ્કરી તાલીમ અને અભ્યાસ કરશે, સૈન્ય
શિક્ષણ અને વિશિષ્ટ જ્ઞાનની આપ-લે કરશે તેમજ ગુપ્તચર માહિતી (ઇન્ટેલિજન્સ) અને લોજિસ્ટિક્સમાં
સહયોગ વધારશે. ઉપરાંત, પાકિસ્તાની સેના કુવૈતના સૈનિકોને ટ્રાનિંગ
આપવામાં પણ મદદ કરશે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત લંબાઈ રહ્યું છે. કુવૈતને ઈરાની
હુમલાઓથી તેના ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટું નુકસાન થયું છે. ઉપરાંત હોર્મોઝ
બંધ થવાને કારણે તેની તેલ નિકાસ પર અસર પડી છે એવા સમયે કુવૈતે સુરક્ષાત્મક પગલાં તરીકે
પાકિસ્તાન સાથે પોતાના સૈન્ય સંબંધો મજબૂત કર્યા છે. નિષ્ણાતોના મતે, આ કરાર હાલમાં ભારત માટે સીધો સૈન્ય ખતરો નથી. તેનું મુખ્ય કારણ એ છે કે,
પાકિસ્તાન-કુવૈત સમજૂતીમાં `એક દેશ પર હુમલો એટલે બીજા દેશ પર હુમલો' જેવી કોઈ પરસ્પર સુરક્ષા ગેરંટીની કલમ નથી.
આ કરાર માત્ર સૈન્ય તાલીમ અને ટેકનિકલ સહયોગ સુધી મર્યાદિત છે તેમ છતાં, ખાડી વિસ્તારમાં દરિયાઈ ભારતીય નૌકાદળે સતર્ક રહેવું પડશે.