નવી દિલ્હી, તા. 28 : નવી દિલ્હી
અને લુધિયાણામાં દેશની સુરક્ષા માટે ખતરારૂપ પાકિસ્તાન માટે જાસૂસીના કારસાનો પોલીસે
પર્દાફાશ કર્યો હતો. લુધિયાણામાં પાકની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ માટે કામ કરતા એક વેપારીની
ધરપકડ કરાઇ હતી. બીજી તરફ દિલ્હીમાં પણ પોલીસની સ્પેશિયલ સેલ ટીમે આઇએસઆઇ સાથે જોડાયેલાં
જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે જાસૂસીના આરોપમાં 25 વર્ષીય સાહિલ અને તેની 25 વર્ષીય પત્ની સમીરાની ધરપકડ
કરી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, આ દંપતી 2024થી પાકિસ્તાનના
ગુપ્તચર અધિકારીઓના સંપર્કમાં હતું. સાહિલ અને સમીરા ભારતની સંવેદનશીલ જાણકારી સાથે
આઠ ભારતીય સિમકાર્ડ પાકિસ્તાન મોકલવા તેમજ અન્ય લોકોને જાસૂસી માટે તૈયાર કરવામાં મદદ
કરતા હતા. અધિકારીઓએ કહ્યું હતું કે, જાસૂસી નેટવર્કના તાર દિલ્હીથી કરાચી, ઇસ્લામાબાદ સુધી
જોડાયેલા હતા. પાક ગુપ્તચર તંત્રએ સિમકાર્ડના બદલામાં દંપતીને 30 હજાર રૂપિયા આપ્યા હતા. બીજી
તરફ, લુધિયાણામાં પકડાયેલો વેપારી સૈન્ય અને અન્ય
સંવેદનશીલ વિસ્તારોની માહિતી પહોંચાડતો હતો, જેની ઓળખ વેપારી
રછપાલસિંહનાં રૂપમાં થઇ હતી.