ભુજ, તા. 27 : શહેરની શોભા અને ઐતિહાસિક હમીરસર
તળાવની ભુજ સુધરાઇ દ્વારા સમયાંતરે સફાઇ હાથ ધરવામાં આવે છે, તેમ છતાં તળાવ વારંવાર ગંદકી-કચરાથી ખરડાયેલું
રહે છે. સુધરાઇ માત્ર સફાઇ કરી હાથ ખંખેરી લે છે, તેના બદલે કડક
વલણ અપનાવી તળાવમાં કચરો ફેંકનારાને દંડ ફટકારે તે જરૂરી છે. સાથોસાથ ભુજવાસીઓ પણ પોતાની
નૈતિક ફરજ સમજી પૂજાપા, પ્લાસ્ટિકની થેલીઓ, નાસ્તાની ડિશ કે અન્ય કચરો તળાવમાં ન ફેંકે તે જરૂરી છે. દરમ્યાન, ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ હમીરસર સફાઈ ઝુંબેશને આવકારી હતી. ભુજમાં વર્ષોથી
દેશલસર તળાવ જળકુંભીની નાગચૂડમાં ફસાયું છે, જ્યારે ભુજની શાન
સમું હમીરસર તળાવ પણ ગંદકી-કચરાથી ખદબદતું રહે છે. વરસાદી વહેણમાં ગટરનું પાણી,
કચરા તળાવ સુધી આવી જતાં પાણી હવે પહેલાં જેવું સ્વચ્છ નથી રહ્યું અને
વરસાદમાં ઓગન્યા બાદ જળમાંથી દુર્ગંધ આવવાનું શરૂ થઇ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે,
હસીરસર તળાવને ફરતે મહાદેવ નાકાથી લેકવ્યૂ સુધીના માર્ગે અનેક નાસ્તાની
લારીઓ ગોઠવાઇ ગઇ છે. અમુક લોકો નાસ્તો કરી પ્લાસ્ટિકની થેલીઓ, ડિશ, ચમચી સહિત બચેલો ખોરાક હમીરસરમાં ફેંકી દે છે,
જેને પગલે તળાવ અંદરના ભાગે કચરો-ગંદકી એકત્ર થઇ જાય છે તેવું જાગૃતો
કહી રહ્યા છે. આ ઉપરાંત ધાર્મિક તહેવારોમાં પણ પૂજાપા-મૂર્તિ સહિતની સામગ્રી તળાવમાં
પધરાવાતી હોય છે. લોકો સમજદારી વાપરી પૂજનવિધિ બાદ તળાવનાં જળ અને જળચરને નુકસાન ન
પહોંચે તે માટે વિવિધ સામગ્રી સાથે નગરપાલિકા દ્વારા કરાતી વ્યવસ્થાને સહયોગ આપી તળાવની
સુંદરતા જાળવવા પ્રયાસ કરવો જોઇએ તેવી લોકલાગણી ફેલાઇ છે. ટૂંક સમયમાં જ તહેવારો શરૂ
થશે ત્યારે સુધરાઇના શાસકો વહેલાસર જ આ બાબતે જાગૃત બની તળાવને દૂષિત થતું બચાવવા પગલાં
ભરવાં જોઈએ. લોકોને સમજાવવા સાથે તળાવને દૂષિત ન કરે તેવી અપીલ કરવા સાથે ધંધાર્થીઓને
પણ તાકીદ કરવી જોઇએ. ઉપરાંત કડક વલણ અપનાવી કચરો ફેંકનારાને દંડ ફટકારવા જેવાં પગલાં
પણ ભરવાં જોઇએ જેથી અન્ય લોકો આવું કૃત્ય કરતાં અટકી જશે અને હમીરસર કાયમ સ્વચ્છ રહેશે
તેવું જાગૃતો કહી રહ્યા છે.
નગરાલિકા દ્વારા પગલાં ભરાશે
હમીરસરમાં ગંદકી બાબતે સુધરાઇ પ્રમુખ શીતલ શાહ તથા કારોબારી
ચેરમેન કમલ ગઢવીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે,
મહાદેવ નાકાથી લેકવ્યૂ સુધીના માર્ગે લાગેલા નેત્રમના સીસીટીવી કેમેરાની
મદદ લઇ ગંદકી કરનારા સામે કાર્યવાહી કરાશે. આ ઉપરાંત નાસ્તાની લારી-ગલ્લાવાળાને કડક
તાકીદ કરાશે. શહેરીજનો પણ ધાર્મિક તહેવારોમાં પૂજાપાની વસ્તુ તળાવમાં ન પધરાવી સુધરાઇની
વ્યવસ્થામાં સહયોગ આપે તેવી અપીલ કરાઇ હતી.