• બુધવાર, 29 જુલાઈ, 2026

સંસદમાં પેપરલીક મુદ્દે આજે ચર્ચા : વિપક્ષ સંમત

નવી દિલ્હી, તા. 27 : સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં ચાલી રહેલો ગતિરોધ હવે તૂટયો છે. વિપક્ષી દળ એન્ટી પેપર લીક બિલ ઉપર ચર્ચા કરવા સહમત થયા છે. સ્પીકર ઓમ બિરલાની પહેલ ઉપર પ્રમુખ રાજનીતિક દળોના નેતાઓએ સદનમાં એન્ટી પેપર લીક બિલ ઉપર ચર્ચા માટે સહમતિ વ્યક્ત કરી છે. પેપર લીક સામે લોક પરીક્ષા (અનુચિત સાધન નિવારણ) વિધેયક, 2026 ઉપર 28 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યાથી ચર્ચાની શરૂઆત થઈ શકે છે. સદનની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ દળોને આગ્રહ કર્યો હતો કે આ વિષય દેશના કરોડો છાત્રો, યુવાનો અને પ્રતિયોગી પરીક્ષાની પારદર્શકતા સાથે સંબંધિત છે. તેવામાં આ મુદ્દે વ્યાપક અને સાર્થક ચર્ચા થવી જરૂરી છે. સ્પીકરે અગાઉ સોમવારે સત્તાપક્ષ અને વિપક્ષ બન્નેને સાંજે પાંચ વાગ્યા સુધી ચર્ચા શરૂ કરવાને લઈને સંવાદનો રસ્તો કરવાનો આગ્રહ કર્યો હતો. સ્પીકરે બાદમાં અલગ અલગ રાજનીતિક દળના નેતાઓ સાથે પોતે વાતચીત કરી હતી. જેના પરિણામે સત્તા પક્ષ અને વિપક્ષ બન્ને દ્વારા ખરડા ઉપર ચર્ચા કરવા સહમતિ બની હતી અને નક્કી થયું હતું કે મંગળવારે બપોરે 12 વાગ્યાથી વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સોમવારે સંસદમાં પીએમ કાર્યાલયમાં રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે બપોરે 12 વાગ્યે જ્યારે લોકસભાની કાર્યવાહી બીજી વખત શરૂ થઈ ત્યારે ખરડો રજૂ કર્યો હતો. ડો. જીતેન્દ્રસિંહે વિપક્ષી હંગામા વચ્ચે જ ખરડો રજૂ કર્યો હતો અને સ્પીકરની અપીલ છતાં પણ વિપક્ષી સભ્યો શાંત પડયા નહોતા. જેના પરિણામે કાર્યવાહી પહેલા બે વાગ્યા સુધી અને પછી પાંચ વાગ્યા સુધી સ્થગિત કરવાની ઘોષણા કરી હતી. લોકસભામાં સોમવારે બિલ ઉપર 10 કલાક ચર્ચા થવાની હતી પણ હંગામાના કારણે શક્ય બની નહોતી.

Panchang

dd