અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : ઔદ્યોગિક
વિકાસથી ધમધમી રહેલા કચ્છ જિલ્લામાં ઉદ્યોગની ગતિવિધિ વધારવા મેટલ ક્ષેત્રમાં 332.71 કરોડ રૂા.નાં ગંજાવર રોકાણ
સહિત રાજ્યમાં કુલ રૂા. 2,999 કરોડથી વધુનું
રોકાણ ધરાવતા વિવિધ ઔદ્યોગિક પ્રકલ્પોને ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની
અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મંજૂરી આપવાની સાથે જ ઔદ્યોગિક નીતિ-2015 હેઠળ `ઉદ્યોગોને
પ્રોત્સાહન' યોજના શરૂ કરવામાં આવી
હતી. ઉદ્યોગ રાજ્યમંત્રી ડો. જયરામ ગામિત, અધિક મુખ્ય સચિવો જયંતી
રવિ, ટી. નટરાજન, મમતા વર્મા સહિતના ઉચ્ચ
આઈએએસ અધિકારીઓ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સંદીપ એન્જિનીયરની ઉપસ્થિતિમાં
નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય
કમિટીઓની શ્રેણીબદ્ધ બેઠકો દરમિયાન મેન્યુફેક્ચારિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર
વિકાસ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિવિધ પ્રોત્સાહક યોજનાઓ હેઠળ રૂા.
2,999 કરોડથી વધુનાં રોકાણ ધરાવતા
ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ છે. ગુજરાતને,
વિશ્વના સૌથી આકર્ષક રોકાણ સ્થાનોમાંથી એક બનાવવાના વિઝન સાથે ઔદ્યોગિક
નીતિ-2015 હેઠળ `ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રિઝ' યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના રાજ્યમાં
સ્થાપિત થતા પાત્રતા ધરાવતા ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી. રિફંડ-સહાય આપે છે. આ નીતિએ
અત્યાર સુધીમાં ગુજરાતમાં રૂા. 1,48,336.35 કરોડનાં રોકાણને આકર્ષિત કર્યું છે અને 1,65,053 સીધી રોજગારીનું સર્જન કર્યું
છે. આ રોકાણોએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ
ઉદ્યોગોના વિકાસને પણ ઝડપી બનાવ્યો છે. જેનાથી રાજ્યમાં ઉદ્યોગ-અનુકૂળ ઇકોસિસ્ટમ તૈયાર
થઈ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મોટાપાયે રોકાણ આકર્ષીને અને નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને
પ્રોત્સાહિત કરીને ગુજરાતને એડવાન્સ્ડ મેન્યુફેક્ચારિંગ, ટેક્નોલોજી
અને ઇનોવેશન ક્ષેત્રે અગ્રેસર બનાવવાનો છે. 27મી, જુલાઈએ મોટા
ઉદ્યોગોને `ફાઇનલ એલિજિબિલિટી
સર્ટિફિકેટ' આપવા માટેની સમિતિની બેઠક
મળી હતી, જેમાં, આ કમિટીએ રૂા. 1,977.04 કરોડના કુલ મૂડીરોકાણ ધરાવતી
32 અરજીને મંજૂરી આપી હતી, જેનાથી અંદાજે 4,739 સીધી રોજગારી ઊભી થવાની ધારણા
છે.