• રવિવાર, 22 માર્ચ, 2026

યુદ્ધની જ્વાળાથી દાઝ્યું ભારત, `પાવર'પેટ્રોલ મોંઘું

નવી દિલ્હી, તા. 20 : અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધમાં અખાતી દેશો નિશાન બનતાં અચાનક સર્જાયેલાં ઇંધણ સંકટની આગની જ્વાળાઓથી ભારતમાં પેટ્રોલના ભાવમાં ભડકો થયો છે. દેશમાં પ્રીમિયમ એટલે કે, પાવર પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 2.30 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો છે. પાવર પેટ્રોલ બાદ તરત ઔદ્યોગિક વપરાશનાં ડીઝલની કિંમતમાં પણ 22 રૂપિયા જેટલો વધારો ઝીંકી દેતાં પ્રતિ લિટર 87.67માંથી 109.59 રૂપિયા ભાવ કરી દેવાયા છે. જો કે, સામાન્ય રીતે પેટ્રોલ પમ્પો પર મળતાં સામાન્ય પેટ્રોલની કિંમતોમાં કોઇ વધારો કરાયો નથી. સરકારી તેલ કંપનીઓ એચપીસીએલ, બીપીસીએલ, આઇએસીઓ પેટ્રોલની કિંમતમાં કરેલો વધારો આજે શુક્રવારથી જ અમલમાં લાવી દેવાયો છે. આ વધારાની અસર મુખ્ય રૂપે એ ગ્રાહકો પર પડશે, જે હાઇ ઓક્ટેન કે પ્રીમિયમ પેટ્રોલનો ઉપયોગ તેમનાં વાહનોમાં કરે છે. પ્રીમિયમ પેટ્રોલ બીપીસીએલ કંપની `સ્પીડ'નાં નામે વેચે છે, તો એચપીસીએલ દ્વારા `પાવર' અને આઇઓસી દ્વારા `એક્સપી 91'નાં નામે પ્રીમિયમ પેટ્રોલ વેચાય છે. આ વધારા બાદ દિલ્હીમાં પ્રીમિયમ પેટ્રોલની કિંમત 107 રૂપિયામાંથી વધીને 112.30 રૂપિયા, મુંબઇમાં 115માંથી 120.30 અને ચેન્નાઇમાં 112માંથી 117.30 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઊર્જાનાં માળખાઓ ઉપર હુમલા કરવામાં આવ્યા છે. જેના હિસાબે ક્રૂડ ઓઈલના ભાવમાં આગ લાગી ગઈ છે. ગુરુવારે ક્રૂડ ઓઈલનો ભાવ એક તબક્કે 116 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો. જો કે, ત્યારબાદ તેમાં થોડી નરમાશ જરૂર આવેલી અને આજે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 107 ડોલરની આસપાસ છે.  ઈન્ડસ્ટ્રીયલ ડીઝલનો  ઉપયોગ સાધારણ વાહનોમાં થતો નથી બલકે ફેક્ટરી અને કારખાનાઓમાં વપરાય છે. તે જથ્થાબંધ વેચાતું હોય છે. આ ડીઝલમાં કોઈ સબસિડી પણ હોતી નથી. ફેક્ટરી, શોપિંગ મોલ, ડેટા સેન્ટર અને મોટી ઈમારતોમાં વીજળીનાં જનરેટરમાં આ ડીઝલનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જેસીબી, બુલડોઝર, માળખાગત પ્રોજેક્ટમાં વપરાતા ભારે મશીનમાં પણ ઔદ્યોગિક ડીઝલ વપરાતું હોય છે. આમ, તેની અંતિમ અસર તો સામાન્ય નાગરિકો ઉપર જ આવવાની છે.  

Panchang

dd