વોશિંગ્ટન, તા. 18 : ભારતની કૂટનીતિક જીત લેખી શકાય, તેવા ઘટનાક્રમમાં અમેરિકાએ પહેલગામ હુમલા માટે
જવાબદાર અને લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન ધ રેજિસ્ટન્સ
ફ્રન્ટ (ટીઆરએફ)ને પ્રતિબંધિત ઘોષિત કર્યું છે. અમેરિકી સરકારની કાર્યવાહીનું ભારતે
સ્વાગત કર્યું હતું. બીજી તરફ આ પગલાંથી રઘવાયાં બનેલાં પાકિસ્તાને આરોપ મૂક્યો હતો
કે, કાન ભંભેરણી કરીને ભારત અમેરિકાને ભડકાવે છે. જગત જમાદારે
ટીઆરએફને વિદેશી આતંકી સંગઠન (એફટીઓ) વિશેષ રૂપે નામિત આતંકી સંગઠન (એસડીજીટી)ની યાદીમાં
નાખી દીધું છે. અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ શુક્રવારે એક નિવેદનમાં સ્વીકાર્યું
હતું કે, ટીઆરએફ લશ્કર-એ-તોયબાનું સાથી સંગઠન છે. આ સંગઠને જ 22 એપ્રિલ, 2025ના ભારતના
પહેલગામમાં થયેલા હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં 26 લોકોનાં મોત
થયાં હતાં. અમેરિકી સરકારનો આ ફેંસલો પહેલગામ હુમલાના પીડિતોને ન્યાય અપાવવાની રાષ્ટ્રપતિ ટ્રમ્પની કોશિશ છે, તેવું રૂબિયોએ નોંધ્યું હતું. ટીઆરએફ એક આતંકવાદી
સંગઠન છે, જે મુખ્ય રૂપે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય છે. સામાન્ય
નાગરિક જેવા દેખાતા લોકોની ભરતી કરે છે. ભારતની સરકારે પાંચ જાન્યુઆરી, 2023ના દિવસે ટીઆરએફને આતંકવાદી
સંગઠન ઘોષિત કર્યું હતું. આજે અમેરિકાએ પણ આવો ફેંસલો કરી પાકને ફટકો આપતાં ભારતને
મોટી કૂટનીતિક જીત મળી છે. અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું હતું કે આ નિર્ણય ટ્રમ્પ
પ્રશાસનના `અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા
અને આતંકવાદ સામે જવાબી કાર્યવાહી તેમજ પહલગામ આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પના
ન્યાયના આહ્વાન'ને લાગુ કરતું બતાવે છે. સરકારી નિવેદન અનુસાર ઈમિગ્રેશન અને રાષ્ટ્રીય કાનૂનની
ધારા 219 અને એક્ઝિક્યુટિવ ઓર્ડર 13224 હેઠળ ટીઆરએફ અને અન્ય સંબંધિતોને
એઈટીના એફટીઓ તેમજ એસડીજીટી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. ટીઆરએફને આતંકી સંગઠનોની
યાદીમાં સામેલ કરવાના અમેરિકાના નિર્ણયની ભારતે સરાહના કરી છે. વિદેશ મંત્રાલયે નિર્ણયને
ભારત-અમેરિકા વચ્ચે મજબૂત બનતા આતંકવાદ વિરોધી સહયોગનો સ્પષ્ટ સંકેત બતાવ્યો હતો અને
કહ્યું હતું કે ભારત આતંકવાદ સામે વૈશ્વિક સહયોગ અને આતંકી માળખાને નષ્ટ કરવાની જરૂરિયાત
ઉપર હંમેશાં ભાર મૂકે છે. વિદેશ મંત્રી એસ જયશંકરે નિર્ણયની સરાહના કરતા કહ્યું હતું
કે, આ ભારત-અમેરિકા આતંકવાદ વિરોધી સહયોગનું સશક્ત
પ્રમાણ છે. જયશંકરે ટ્વિટમાં આગળ લખ્યું હતું કે, લશ્કર એ તૈયબાના
એક અંગ ટીઆરએફને વિદેશી આતંકવાદી સંગઠન અને વિશેષ રૂપથી નામિત આતંકી સંગઠન ઘોષિત કરવા
માટે વિદેશ મંત્રી રુબિયો અને અમેરિકી સરકારના વિદેશ વિભાગની સરાહના કરે છે. ટીઆરએફએ
પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી અને આ નિર્ણય આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની એટલે
કે, જરા પર સહન નહીં કરી લેવાની નીતિ છે.